મુંબઈઃ કોરોના મહામારી સામેના જંગમાં, આજે રાતે બરાબર 9 વાગ્યાના ટકોરે ભારતવાસીઓએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલી અપીલને પગલે પોતપોતાના ઘરની લાઈટો બંધ કરી દીધી હતી અને પોતપોતાના ઘરની બાલ્કનીમાં, ટેરેસમાં, બારીમાં દરવાજે 9 મિનિટ સુધી ઊભીને મીણબત્તી, દીવો, ટોર્ચ અને મોબાઈલ ફોનની ફ્લેશલાઈટ વડે પ્રકાશ ફેલાવ્યો હતો. મુંબઈમાં ફિલ્મી સિતારાઓ, ઉદ્યોગપતિઓએ પણ સામાન્ય નાગરિકોની સાથે જોડાઈને પીએમની અપીલનું અનુસરણ કર્યું હતું એને કારણે સુંદર દ્રશ્યો સર્જાયા હતા.
આ રીતે પ્રકાશપર્વ ઉજવીને ભારતવાસીઓએ બતાવી આપ્યું કે કોરોના મહામારીને માત કરવા માટે સમગ્ર દેશ સંગઠિત છે, તમામ ભારતવાસીઓ એક છે.
એક પરિવારે ઘરના આંગણામાં ‘GO COVID GO’ની ડિઝાઈનમાં દીવડાઓ પ્રગટાવ્યા હતા.
ઘણા લોકોએ પોતાના મોબાઈલ ફોન પરથી તસવીરો પાડીને ઈન્ટરનેટ પર શેર કરી હતી.
હિન્દી ફિલ્મ ‘મોહેંજો દરો’ની અભિનેત્રી પૂજા હેગડેએ પણ તેની બારી પર દીવડા પ્રગટાવીને કોરોના સામેની લડાઈમાં પોતે પણ સામેલ છે એ દર્શાવ્યું હતું.
રતન ટાટા અને મુકેશ અંબાણી જેવા ઉદ્યોગપતિઓ પણ કોરોના સામેની આ લડાઈમાં સામેલ થયા હતા.
મુકેશ અંબાણીએ એમના પત્ની નીતા સાથે એમના નિવાસસ્થાન એન્ટિલીયા ખાતે આરતી કરી હતી. ભવ્ય નિવાસસ્થાન એન્ટિલીયાની તમામ લાઈટો બંધ કરી દેવાયા બાદ ઈમારત આવી દેખાતી હતી.