અમદાવાદ: શહેરના બોપલમાં 10મી નવેમ્બરના રોજ કાર ધીમે ચલાવવા અંગે ઠપકો આપવાની સામાન્ય બાબતમાં માઇકાના વિદ્યાર્થી પ્રિયાંશુ જૈનની હત્યા કરી દેવામાં આવી હતી. આ કેસની તપાસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાંચે 13મી નવેમ્બરના રોજ આરોપી વિરેન્દ્રસિંહ પઢેરિયાની પંજાબથી ધરપકડ કરી હતી. ત્યાર બાદ 14મી નવેમ્બરે પોલીસે આરોપીને ઘટનાસ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. આજે 15મી ઓક્ટોબરના રોજ આરોપી પોલીસ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ પઢેરિયાને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરી 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. જોકે અમદાવાદ ગ્રામ્ય કોર્ટે આરોપીના 25 નવેમ્બર બપોરે 3 વાગ્યા સુધીના એટલે કે 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. સરકારી વકીલે કોર્ટમાં દલીલ રજૂ કરી હતી કે ગુનો આચર્યા બાદ આરોપી બે દિવસ સુધી નાસતો ભાગતો ફરતો હતો. પંજાબથી તેની ધરપકડ કરવામાં આવી છે. તેણે તપાસ દરમિયાન પુરતો સપોર્ટ આપ્યો નથી. હત્યામાં ઉપયોગ લેવામાં આવેલા હથિયારને ફેંકી દીધી હતી તે જગ્યા વિશે પણ જણાવ્યું નથી. આરોપી 15 વર્ષથી પોલીસ ખાતામાં ફરજ બજાવતો હોવાથી કાયદાનો જાણકાર છે.