અસલી દાનેશ્વરીઓ ક્યાં સંતાયા છે?

‘જોયું રણઝણસિંહ ? ઓલ્યા અક્ષયકુમારે કોરોના વાયરસ સામેની લડત માટે એક ઝાટકે પચીસ કરોડ રૂપિયા દાનમાં આપી દીધા !’
અક્ષયકુમાર અમારો ફેવરીટ હીરો છે. એના દાન વડે અમારી છાતી મેઝરટેપથી યે માપી ના શકાય એટલી ફૂલી ગઈ હતી. ત્યાં રણઝણસિંહે અમારી ફૂલેલી છાતીમાં પંચર પાડ્યું:
“અલ્યા મન્નુડા, ઓલ્યા વિજય માલ્યા અને નીરવ મોદી જેવા ટોપીબાજો જે સવા લાખ કરોડનું ઉલાળિયું કરીને વયા ગ્યા છે એમને સમયસર ઝાલી રાખ્યા હોત તો ? અત્યારે કોરોનાવાળીનો હંધોય ખરચો એમાંથી નીકળી ગ્યો હોત.”
અમને હજી કોરોના વાયરસનો ચેપ નથી લાગ્યો. અમારું શ્વસનતંત્ર હજી સલામત છે. અમે ફરી છાતી ફુલાવીને હુંકાર કર્યો.
‘સાંભળો, દેશના ઉદ્યોગપતિઓ પણ કાંઈ કમ નથી. રતન ટાટાએ પંદરસો કરોડ દઈ દીધા. અંબાણીએ ૫૦૦ કરોડ અને અદાણીએ ૧૦૦ કરોડ લખાવી દીધા છે.’


‘ઇ હંધાય કંપનીયુંવાળા છે. આજે દાન કરે છે ઈ હારી વાત છે પણ કાલે ઉઠીને હિસાબના ચોપડામાં ઈ રકમ ઉપર ટેક્સ-બેનિફીટ લઈ લેશે. ભડનો દિકરો તો અક્ષયકુમાર કે’વાય. ઈ એકલો કમાય છે. ’
“હા… તો…” અમે વાતનો પાટો બદલ્યો. “તો પછી શાહરુખ સલમાન આમિર એ બધા કેમ પલાંઠી વાળીને બેઠાં છે ?”
“અલ્યા, તને હંમેશા શાહરુખ-સલમાનો જ કેમ દેખાય છે ? કાંઈ જુદા રંગના ચશ્મા પે’રવાનાં ચાલુ કઈરાં છે કે શું ?”
“રંગની વાત જ નથી.” અમે ખોંખારો ખાધો. “ક્રિકેટરો પણ ક્યાં મોટી રકમ આપે છે ? સચિન તો કદાચ વધુ એક બેટની હરાજી કરવાનું કહેશે.”
“અલ્યા, તને અસલી માલદારો તો દેખાતા જ નથી.”
“કોણ છે અસલી માલદારો ?”
“આ રાજકારણીઓ !” રણઝણસિંહે ધડાકો કર્યો. ‘દર પાંચ વરસે એમની સંપત્તિમાં કરોડોનો વધારો થઈ જાય છે. એમાંથી કેટલા આગળ આયવા ?’
રણઝણસિંહની આ જુની આદત છે. નગારાં ઉત્તર દિશામાં વગાડે અને હુમલો દક્ષિણ દિશામાંથી કરે. અમે માંડ માંડ ખુલાસો કર્યો.
“મહારાષ્ટ્રના ધારાસભ્યોના પગારમાંથી તો ૬૦ ટકા કપાઈ જ જવાના છે.”
“માત્ર પગાર નહીં…” રણઝણસિંહનો અવાજ ઊંચો થયો. ‘પગાર અને ભથ્થાનાં સાંઈઠ ટકા, મન્નુડા ! અને સાંઈઠ ટકા કાંઈ સરખો આંકડો નથી… પ્રોપર આંકડો એકવીસ દિવસનો હોવો જોઈં.’
“એકવીસ દિવસ ?”
“હાસ્તો ? એકવીસ દિવસનું લોકડાઉન, તો એકવીસ દિવસનાં પગાર-ભથ્થાં ! અને ઈ પણ હંધાય સાંસદ, ધારાસભ્ય અને કોર્પોરેટરુંના !”
અમને મનોમન આઈડિયા તો ગમ્યો. છતાં કહ્યું “એ નેતાઓ માનશે ?”
“લોકપ્રિય થવાનો આ જ ચાન્સ છે મન્નુડા !” રણઝણસિંહ ભારે ઉત્સાહમાં હતા. “હકીકતમાં તો મધ્યપ્રદેશના ઓલ્યા પક્ષપલટુ ધારાસભ્યોએ જાહેર કરવું જોઈં કે ભાજપમાં ભળવાના અમે આટલા કરોડ લીધા ’તા, એમાંથી અડધાનું અમે દાન કરીએ છીએ !”
“હેં ?”
“હેં વળી શું ? ભાજપમાં શેના હાટું જોડાયા ’તા? પરજાની ‘વધુ સારી સેવા’ કરવા હાટું જ ને ?… તો કરો !”

(મન્નુ શેખચલ્લી)