નવી દિલ્હીઃ દેશમાં તમામ રાજકીય પક્ષો લોકસભા ચૂંટણીમાં ચૂંટણીપ્રચાર કરવા માટે મેસેજ આપવા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)નો ઉપયોગ કરી રહી છે. આ ટેક્નિક ભાષણોનું તરત અનુવાદ કરવા, ડિજિટલ એન્કર બનાવવા અને ત્યાં સુધી કે દિવંગત નેતાની આકૃતિને પણ અસલી જેવા બતાવીને ભાષણ આપવામાં મદદ કરે છે. આ વખતે ચૂંટણીમાં AIનો ઉપયોગ જોરશોરથી કરવામાં આવી રહ્યો છે.
હાલના દિવસોમાં ચૂંટણીપ્રચારમાં PM મોદી પોતાની ચૂંટણીસભામાં લોકોને સોશિયલ મિડિયા સાઇટ X અને યુટ્યુબ પર જઈને AI દ્વારા અનુવાદિત તેમનાં ભાષણોને સાંભળવા માટે કહી રહ્યા છે. ભાજપે યુટ્યુબ ચેનલ બનાવી છે, જે બાંગ્લા, તમિળ, ઉડિયા, મલયાલમ અને અન્ય ભાષાઓમાં PMનાં ભાષણો ભાષાંતર કરીને ચલાવવામાં આવે છે.
ભાજપની જેમ કોંગ્રેસ અને DMK પણ ચૂંટણીપ્રચારમાં ઉપયોગમાં લેવાતા કન્ટેન્ટને બનાવવા માટે AIનો ઉપયોગ કરી રહી છે. DMK ચૂંટણીપ્રચાર માટે AI જનરેટેડ વિડિયોનો ઉપયોગ કરી રહી છે, જેમાં ભૂતપૂર્વ એમ. કરુણાનિધિ મતદાતાઓથી સમર્થન માગી રહ્યા છે. કરુણાનિધિનું વર્ષ 2018માં નિધન થયું હતું.
પશ્ચિમ બંગાળમાં કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા (માર્કસવાદી) ચૂંટણી સંદેશને વધુથી વધુ લોકો સુધી પહોંચાડવા માટે વિડિયો બનાવી રહી છે.
છેલ્લા ત્રણ દાયકાઓમાં ઊભરતી ટેક્નોલોજીને કારણે દેશની ચૂંટણીપ્રચારની વ્યૂહરચનામાં ફેરફાર થયા છે. 1990ના દાયકામાં ફોનકોલનો વ્યાપક ઉપયોગ, 2014માં હોલોગ્રામનો ઉપયોગ અને હવે AIનો યુગ જોઈ શકાય છે. 2014માં ડિજિટલ ખર્ચ અંદાજિત રૂ. 500 કરોડને જોતાં કેટલાય વિશ્લેષકોએ એને ભારતની પહેલી સોશિયલ મિડિયા ચૂંટણી અથવા ફેસબુક ચૂંટણી પણ કહી હતી.