અનેક નવા આકર્ષણો સાથે 4 મહિના લાંબા રણોત્સવની શરૂઆત
ગાંધીનગર: દેશ-વિદેશના પ્રવાસીઓને આકર્ષતો કચ્છ રણોત્સવ શરૂ થઈ ગયો છે, જે 28 ફેબ્રુઆરી, 2025 સુધી ચાલશે. રણોત્સવનું મુખ્ય આકર્ષણ ટેન્ટ સિટી છે. આ વર્ષે પણ પ્રવાસીઓ માટે સફેદ રણમાં અનેક સુવિધાઓથી સજ્જ 400 જેટલાં ટેન્ટ્સ ઊભા કરવામાં આવ્યા છે. 11 નવેમ્બરથી ટેન્ટ સિટીની શરૂઆત થઈ ગઈ છે, જે 28 ફેબ્રુઆરી, 2025 સુધી ચાલશે. ટેન્ટ સિટીમાં રહીને પ્રવાસીઓ મીઠાના સફેદ રણનું અદ્ભુત કુદરતી સૌંદર્ય, લોકસંસ્કૃતિ તેમજ પરંપરાગત ભોજનનો આનંદ માણી શકશે. રણોત્સવની મુલાકાત દરમ્યાન પ્રવાસીઓ માટે સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ વિવિધ એડવેન્ચર સ્પોર્ટ્સ એક્ટિવિટીનું પણ આયોજન કરવામાં આવે છે. આ વર્ષે રણોત્સવમાં એડ્વેન્ચર ઝોન તેમજ ચિલ્ડ્રન એક્ટિવિટી વિથ ફન/નોલેજ પાર્કનું આયોજન કરવામાં આવ્યું છે. બીજી તરફ આ વર્ષે પ્રવાસન વિભાગ દ્વારા ધોળાવીરા ખાતે PPP ધોરણે 44 રૂમ સાથેના રિસોર્ટનું નિર્માણ કરવામાં આવ્યું છે. વર્ષ 2023-24ના રણોત્સવમાં 852 વિદેશી સહિત 7.42 લાખ પ્રવાસીઓ આવ્યા હતા.
ભૌગોલિક વિવિધતા ધરાવતા ગુજરાતમાં એવા અનેક સ્થળો આવેલા છે, જે વિશ્વભરના પ્રવાસીઓને આકર્ષે છે. ખાસ તો કચ્છમાં આવેલ વિશ્વનું એકમાત્ર સફેદ રણ, જેને જોવા માટે પ્રવાસીઓના ટોળેટોળાં ઉમટે છે. એક સમયે જે રણની ઓળખ એક ઉજ્જ્ડ જમીન તરીકેની હતી, તે સ્થળે આજે ચાર મહિના સુધી રણનો ઉત્સવ એટલે કે રણોત્સવ ઉજવાય છે. કચ્છની કળા, ભાતીગળ સંસ્કૃતિ, મહેમાનગતિ, પરંપરા, સંગીતનો સંગમ ધરાવતા કચ્છ રણોત્સવને વૈશ્વિક સ્તરે ઓળખ મળી છે. ભુજથી 80 કિ.મી.ના અંતરે આવેલા ધોરડો ખાતે ત્રણ દિવસીય રણોત્સવની શરૂઆત કરવામાં આવી હતી, જે આજે 4 મહિનાનો લાંબો ઉત્સવ બની ચૂક્યો છે.આ વર્ષે રણોત્સવના આયોજનમાં ટકાઉ પ્રવાસન (સસ્ટેનેબલ ટુરિઝમ) પર વધારે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે જેમ કે, પ્લાસ્ટિકનો લઘુત્તમ ઉપયોગ, સફેદ રણમાં જવા માટે બાઈસિકલ રાઈડ, ટેન્ટ સિટીમાં વેસ્ટ સેગ્રીગેશન અને ડિસ્પોઝલની વ્યવસ્થા કરવામાં આવી છે. રણોત્સવની સાથે-સાથે કચ્છના વિવિધ પ્રવાસન સ્થળોની મુલાકાત પ્રવાસીઓ લઈ શકે તે માટેની પણ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.રણોત્સવની મુલાકાતે આવતા લાખો સહેલાણીઓના કારણે સ્થાનિક લોકો એમાં પણ ખાસ કરીને હસ્તકલા ક્ષેત્રના લોકો માટે આવકનો નોંધપાત્ર સ્ત્રોત ઊભો થયો છે. રણોત્સવ થકી રોગાન કળા, ઓરીભરત, મીનાકામ, અજરખ બ્લોક પ્રિન્ટ, બાંધણી, જરદોશી કળા, કાષ્ઠકળા વગેરેમાં પારંગત કારીગરોને રોજગારી તો મળે જ છે, સાથે કચ્છી હેન્ડિક્રાફ્ટ્સના કલાકારોને પોતાની કલાકૃતિઓને વેચવા માટે એક વૈશ્વિક બજાર મળે છે. સ્થાનિક કારીગરોને રોજગાર મળે તે હેતુથી ટેન્ટસિટીમાં હેન્ડલૂમ અને હેન્ડીક્રાફ્ટના લાઈવ ડેમોની સાથે દુકાનોની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત, રણોત્સવ ખાતે દરરોજ કલ્ચરલ શૉ રાખવામાં આવ્યા છે જ્યાં સ્થાનિક કલાકારોને મંચ પૂરું પાડવામાં આવશે. 2023-24ના રણોત્સવમાં અંદાજિત 2 લાખ લોકોએ ક્રાફ્ટ સ્ટોલ અને ફૂડ સ્ટોલની મુલાકાત લીધી હતી. જેના દ્વારા ક્રાફટ સ્ટોલ ધારકોને અંદાજિત 6.65 કરોડ રૂપિયા અને ફૂડ સ્ટોલ ધારકોને અંદાજિત 1.36 કરોડ રૂપિયાની આવક થઈ હતી. આ વર્ષે ક્રાફ્ટ સ્ટોલ અને ફૂડ સ્ટોલની શરૂઆત 1 ડિસેમ્બર 2024થી થશે.ધોરડો ગામને યુનાઈટેડ નેશન્સ વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઈઝેશન દ્વારા વિશ્વના શ્રેષ્ઠ ટુરિઝમ વિલેજનો પણ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. ત્યારે ધોરડો ટેન્ટ સિટી ખાતે દર વર્ષે જુદી-જુદી થીમ પર રણોત્સવનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે ‘રણ કે રંગ’ નામની થીમ પર રણોત્સવ યોજાઈ રહ્યો છે.