ગાંધીનગર: રમત-ગમત રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષ સ્થાને ગુજરાતના પ્રતિભાશાળી ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા માટે “ખેલ પ્રતિભા પુરસ્કાર અર્પણ” કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ દરમિયાન હર્ષ સંઘવીના હસ્તે રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય કક્ષાએ તથા શાળાકીય અને ખેલો ઇન્ડિયા જેવી વિશિષ્ટ સ્પર્ધાઓમાં વિજેતા બનેલા ગુજરાતના ૫૬ પ્રતિભાવાન ખેલાડીઓને કુલ રૂ. ૧.૮૮ કરોડથી વધુના રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ સ્વિમિંગ સ્પર્ધામાં એક ગોલ્ડ અને ત્રણ સિલ્વર મેડલ હાંસલ કરનાર આર્યન નહેરાને સૌથી વધુ એક કરોડ રૂપિયાનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.