અમદાવાદમાં યોજાયેલી મહિલાઓ માટેની ઈન્ટરનૅશનલ ટેનિસ ટુર્નામેન્ટને કારણે મારામાં આત્મવિશ્ર્વાસ કેળવાયો. અહીં ભારતીય ખેલાડીઓ ઉપરાંત વિદેશી રમતવીરો પણ સહભાગી થયા હોવાથી એમનું રમતકૌશલ્ય જોઈને મેદાન પરનો વ્યૂહ, સ્ટ્રોક સિલેક્શન, એકાગ્રતા જેવી અનેક બાબતો મને શીખવા મળી, જે મારી રમતમાં ચોક્કસ ફાયદો કરાવશે…
અમદાવાદની ટેનિસ ખેલાડી ખુશાલી મોદીના આ શબ્દો ગુજરાતના ઘણા ઊગતા ખેલાડીની લાગણીનો પડઘો પાડે છે.એસ. ટેનિસ એકેડેમી, અમદાવાદ ખાતે હમણાં જ સ્પોર્ટ્સ ઑથોરિટી ઑફ ગુજરાતના સહયોગથી આઈ.ટી.એફ. વીમેન્સ ટેનિસ ટુર્નામેન્ટ યોજાઈ હતી, એમાં ખુશાલી મોદી ડબલ્સની મૅચમાં ક્વાર્ટર ફાઈનલ સુધી પહોંચેલી. ભારત ઉપરાંત વિશ્ર્વના નવેક દેશની મહિલા ખેલાડી એ સ્પર્ધા રમી હતી. એમનાં કૌવત અને જોશભર્યા ખેલે ગુજરાતના ટેનિસ ખેલાડીઓને નવું બળ આપ્યું.
આ સ્પર્ધામાં ભારતની વૈષ્ણવી અડકરે ડેન્માર્કની જામશિદીને હરાવીને સિંગલ્સનું ટાઈટલ જીત્યું. ત્યાર બાદ એ જ દિવસે વીમેન્સ ડબલ્સની ફાઈનલમાં વૈષ્ણવી અડકર અને પૂજા ઈંગળેની જોડીએ જપાનની કોબાયાશી અને નાગાટાની જોડીને હરાવીને ડબલ્સનો ખિતાબ પણ જીત્યો.આપણા શિરમોર સંગીતકાર-ગીતકાર અવિનાશ વ્યાસે રમત પર રચેલા એક ગીતની પંક્તિ છે…
હુ તુ તુ તુ તુ તુ તુ તુ,
જામી રમતની ઋતુ…ગુજરાતમાં પણ આજકાલ રમતોત્સવનો માહોલ છે, જેમ કે સુરતમાં જિમ્નેસ્ટિકની નૅશનલ ચૅમ્પિયનશિપ ચાલુ છે, જે ચાર જાન્યુઆરી સુધી ચાલશે. ભાવનગરમાં પાંચ જાન્યુઆરીથી સિનિયર નૅશનલ બાસ્કેટબૉલ ચૅમ્પિયનશિપ યોજાશે. ઈન્ડિયન બ્લાઈન્ડ સ્પોર્ટ્સ ઍસોસિયેશન દ્વારા આયોજિત નૅશનલ ઍથ્લેટિક્સ ચૅમ્પિયનશિપ ફૉર ધ બ્લાઈન્ડ હમણાં નડિયાદમાં યોજાઈ ગઈ. ક્રિકેટ તો એવરગ્રીન છે અને અત્યારે ડોમેસ્ટિક ક્રિકેટ સીઝન છે. આ ઉપરાંત, ગુજરાત સરકારનો ખેલ મહાકુંભ પણ આવી રહ્યો છે. આવો વ્યાપક ખેલ મેળાવડો રાજ્યમાં સ્પોર્ટ્સ કલ્ચર ઊભું કરવામાં મદદરૂપ થાય છે.અમદાવાદની એસ ટેનિસ એકેડેમીના પ્રમેશ મોદીચિત્રલેખા.કોમને કહે છે કે આઈટીએફ વીમેન્સ ટેનિસ ટુર્નામેન્ટમાં સહભાગી જપાન, રશિયા, ડેન્માર્ક, કઝાકિસ્તાન, ગ્રેટ બ્રિટન, કેનેડા અને નેપાળના ખેલાડીઓની ફિટનેસ, શિસ્ત, માનસિક ક્ષમતા, આત્મવિશ્ર્વાસ, બૉડી લૅન્ગ્વેજ અને ખાસ તો એકાગ્રતા જોઈને સ્થાનિક ખેલાડીઓને ઘણું શીખવા મળ્યું. આખરે તો કોર્ટ પર ઊતરનારા ખેલાડીના એટિટ્યૂડથી રમતમાં ફરક પડતો હોય છે.અમદાવાદની ટેનિસ ખેલાડી ખુશાલી મોદી ચિત્રલેખાને કહે છે: ‘આટલી મોટી ટુર્નામેન્ટ અહીં યોજાવાથી અમારે બહાર ટ્રાવેલ કરવું પડ્યું નહીં અને ઘરઆંગણે રમવાની તક મળી. દેશ-વિદેશના પ્લેયર્સ સામે રમવાથી ખબર પડી કે અમે ક્યાં પાછાં પડીએ છીએ અને વધુ શું શીખવાની જરૂર છે. એમનો કૉન્ફિડન્સ જોઈને લાગ્યું કે હું મારી જાતમાં ભરોસો નહીં મૂકું ત્યાં સુધી મને કોઈ મદદ કરી શકશે નહીં.’દક્ષિણ ગુજરાતના સુરતમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઈનડોર સ્ટૅડિયમમાં ચાલી રહેલી જિમ્નેસ્ટિક્સની તમામ વયજૂથની નૅશનલ ચૅમ્પિયનશિપના ડિરેક્ટર કૌશિક બીડીવાલા ચિત્રલેખાને કહે છે: ‘અહીં આર્ટિસ્ટિક્સ, એક્રોબેટિક્સ, ટ્રેમ્પોલીન અને ટબલિંગ જિમ્નેસ્ટિક્સની વિવિધ કૅટેગરીમાં દેશભરની ૩૨ ટીમના એક હજારથી વધુ ખેલાડી ભાગ લઈ રહ્યા છે. આ સ્પર્ધાનો હેતુ પેરન્ટ્સમાં એવી જાગૃતિ લાવવાનો છે કે ગુજરાત પણ આ ખેલમાં પાછળ નથી અને આપણા ખેલાડી પણ મેડલ જીતી રહ્યા છે.’કૌશિકભાઈ ઉમેરે છે કે આ રમતને કારણે ગુજરાતના ખેલાડીઓનો પરફોર્મન્સ સુધર્યો. આર્ટિસ્ટિક્સ અને અન્ય એક શ્રેણીની સ્પર્ધાના જુનિયર ગ્રુપમાં ગુજરાતની અવંતિકા નેગીએ ગોલ્ડ મેડલ જીત્યો.
ડોમેસ્ટિક ક્રિકેટ ટુર્નામેન્ટમાં વિજય હઝારે ટ્રૉફી, કૂચ બિહાર ટ્રૉફી, વિજય મર્ચન્ટ ટ્રૉફી, મેન્સ અન્ડર ૨૩ લિસ્ટ એ વન ડે સહિતની ટુર્નામેન્ટનાં આયોજન દેશભરમાં થયાં છે ત્યારે ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, રાજકોટ, નડિયાદ, આણંદ, સુરતમાં જુદા જુદા ફોર્મેટની ક્રિકેટસ્પર્ધા રમાઈ રહી છે. ગુજરાત ક્રિકેટ ઍસોસિયેશન (જીએસએ)ની ટીમે જબરજસ્ત દેખાવ કર્યો છે. આ વર્ષે જીસીએની અન્ડર-૧૯ ટીમ ઑલ ઈન્ડિયા ચૅમ્પિયન બની છે. અન્ડર-૨૩માં આ ટીમને નૉકઆઉટમાં પ્રવેશ મળ્યો છે. આનું શ્રેય ખેલાડીઓ ઉપરાંત પ્રશિક્ષકો, ઍસોસિયેશનના સેક્રેટરી, મૅનેજર બધાને આપવો પડે. ઊર્વિલ પટેલ, ચિંતન ગજા, પ્રિયેશ પટેલ જેવા ક્રિકેટરોનો પરફોર્મન્સ બહુ જ સારો રહ્યો છે. ટૂંકમાં, ગુજરાતના નવાંગતુક ક્રિકેટરોનું ભવિષ્ય ઉજ્જ્વળ છે.બીજી તરફ, ભાવનગરમાં સ્પોર્ટ્સ ઑથોરિટી ઑફ ગુજરાતના સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સમાં પાંચ જાન્યુઆરીથી બાર જાન્યુઆરી દરમિયાન ૭૪મી સિનિયર નૅશનલ બાસ્કેટબૉલ ચૅમ્પિયનશિપ રમાશે. ગુજરાત સ્ટેટ બાસ્કેટબૉલ ઍસોસિયેશનના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ ચિત્રલેખાને કહે છે: ‘પુરુષ વિભાગમાં ૩૧ અને મહિલા વિભાગમાં ૨૮ ટીમ ભાગ લઈ રહી છે. ઈન્ડિયન રેલવેની ટીમ પણ છે. એક હજારથી વધુ ખેલાડી અને અધિકારી આવશે. આ ટુર્નામેન્ટ માટે ગુજરાતની મહિલા ટીમનો વડોદરામાં અને પુરુષોની ટીમનો ભાવનગરમાં પ્રેક્ટિસ કૅમ્પ ચાલી રહ્યો છે. એમનો દેખાવ સારો રહે એવી આશા છે. આ ટુર્નામેન્ટ થકી ભાવનગરના સ્થાનિક ખેલાડીઓને પ્રોત્સાહન મળી રહેશે અને યુવાનોમાં બાસ્કેટબૉલ રમત પ્રત્યે આકર્ષણ પણ વધશે.
અહીં નોંધવું જોઈએ કે ગુજરાત સરકાર દ્વારા આયોજિત ખેલ મહાકુંભમાં આ વખતે સમગ્ર ગુજરાતમાંથી અત્યાર સુધી ૭૧,૩૦,૮૩૪ રજિસ્ટ્રેશન થયાં છે. ૪૩,૭૩,૧૭૦ પુરુષો, ૨૭,૫૭,૬૬૪ મહિલા ખેલાડી તથા ૩,૬૪,૯૫૫ ટીમે પણ નોંધણી કરાવી છે.કાર્યક્રમના સમયપત્રક મુજબ આ શનિવારે (ચોથી જાન્યુઆરીએ) રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઍથ્લેટિક્સ ગ્રાઉન્ડમાં ખેલ મહાકુંભનો પ્રારંભ ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલ કરાવશે. ગ્રામ્યકક્ષાની શાળાઓથી લઈને રાજ્યકક્ષાના ખેલાડી ધરાવતા આ રમતોત્સવમાં આર્ચરી, ઍથ્લેટિક્સ, બૅડમિન્ટન, બાસ્કેટબૉલ, બૉક્સિગં, ચેસ, સાઈકલિંગ, ઘોડેસવારી, ફેન્સિંગ, ફૂટબૉલ, જિમ્નેસ્ટિક્સ, હૅન્ડબૉલ, જુડો, કબડ્ડી, કરાટે, ખો ખો, ટેનિસ, શૂટિંગ, સ્વિમિંગ, વૉલીબૉલ, યોગાસન જેવી ૩૯ રમતોમાં સ્પર્ધકો ભાગ લેશે. ખેલ મહાકુંભમાં વધુ ને વધુ લોકો ભાગ લેતા થાય એ માટે ગુજરાત સરકાર રમતગમતની માળખાગત સુવિધાઓનો વિકાસ કરી રહી છે.