અમદાવાદ: ગાંધીનગર હાલ રાજ્યના લાખો વિદ્યાર્થીઓ માટે આશાનું કેન્દ્ર બની ગયું છે. વિદ્યાર્થીઓ અહીં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા માટે આવતા હોય છે. જેમાંથી કેટલાંય મધ્યમવર્ગી વિદ્યાર્થીઓ માટે રહેવા-જમવાની વ્યવસ્થા કરવી મુશ્કેલ હોય છે. આવા લોકો માટે ‘જીવન ચેરીટેબલ ટ્રસ્ટ’ મોટી રાહત બનીને સામે આવ્યું છે. પાટનગર ગાંધીનગરમાં જરૂરતમંદ ભૂખ્યા લોકોને નિયમિતપણે ગરમ અને પૌષ્ટિક ભોજન સેવા માત્ર વીસ રૂપિયાના નજીવા દરે મળશે. સમાજ સેવી સંસ્થા ‘જીવન ચેરીટેબલ ટ્રસ્ટ’ દ્વારા સેકટર-૨૧માં પેટ્રોલ પંપ નજીક લાઇબ્રેરી સામેના મેદાનમાં આ ‘જીવન પ્રસાદ ઘર’ ભોજન સેવાનો ૧લી એપ્રિલથી પ્રારંભ થયો છે. આ ભોજન પ્રસાદ સેવા ગાંધીનગરમાં સેક્ટર-૬માં અપના બજાર નજીક સપ્ટેમ્બર-૨૦૨૩માં સૌ પ્રથમ વાર શરૂ થઈ હતી. સેક્ટર-૬માં મળેલા વ્યાપક પ્રતિસાદને પગલે હવે સેક્ટર-૨૧માં લાઇબ્રેરીની સામે પણ આ ભોજન પ્રસાદ સેવા શરૂ કરવામાં આવી છે.
વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે ગાંધીનગરમાં આવીને વસેલા રાજ્યના અન્ય જિલ્લાઓના યુવાઓ લાઇબ્રેરીમાં વાંચન સાથે નજીવા દરે આ ભોજન સેવાનો લાભ પણ મેળવી શકે અને તેમનો સમય બચે તે હેતુસર ‘જીવન ચેરીટેબલ ટ્રસ્ટ’ દ્વારા આ ભોજન સેવા શરૂ થઈ છે. અમદાવાદ શહેરના ગોતા, સુભાષબ્રીજ, દૂધેશ્વર અને ઇન્કમટેક્ષ ખાતે ‘જીવન પ્રસાદ ઘર’ છેલ્લા ત્રણ વર્ષથી સફળતાપૂર્વક ચાલી રહ્યું છે. દરરોજ અંદાજે બે હજારથી વધુ લોકો આ ભોજન પ્રસાદ સેવાનો લાભ મેળવે છે અને ભોજન તૈયાર કરવામાં ૩૦થી વધુ બહેનોને રોજગારી મળે છે. આ ભોજન પ્રસાદ સેવાની ખાસ વિશેષતા એ છે કે, અહિં ભોજન લેવા આવનાર વ્યક્તિને પાર્સલ સેવા પણ આપવામાં આવે છે.
અત્યારે તો ‘જીવન પ્રસાદ ઘર’ અમદાવાદમાં ચાર અને ગાંધીનગરમાં બે સ્થળે ચાલે છે. ભવિષ્યમાં આ પ્રોજેક્ટને વધુ લોકો સુધી લઈ જવાના પણ તેમના પ્રયત્નો છે. ‘જીવન ચેરીટેબલ ટ્રસ્ટ’માં સેવા આપવા ઇચ્છુક સ્વયં સેવક, દાતાઓને આ સેવા કાર્યમાં જોડાવાનો અનુરોધ પણ નિલેશભાઈએ કર્યો છે.