પણજીઃ ભારતના જમોડી ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે ટીવી સ્પોર્ટ્સ પ્રેઝન્ટર સંજના ગણેશન સાથે આજે લગ્ન કરીને ઘરસંસાર માંડ્યો છે. લગ્નની ખાનગી વિધિ આજે ગોવામાં યોજવામાં આવી હતી અને એ વખતે બંનેનાં પરિવારનાં સભ્યો તથા અત્યંત નિકટનાં સ્વજનો-મિત્રો મળી, મર્યાદિત સંખ્યામાં લોકો હાજર રહ્યાં હતાં.
બુમરાહે પોતાના ટ્વિટર પેજ પર પોતાના લગ્નની તસવીરો શેર કરી છે. કોવિડ-19 રોગચાળાને કારણે કડક નિયમો ઘડાયા હોવાને લીધે લગ્નસમારંભમાં ભારતનો એકેય ક્રિકેટર હાજર રહ્યો નહોતો. બુમરાહ તેના લગ્નની તૈયારીને કારણે ઈંગ્લેન્ડ સામેની ચોથી ટેસ્ટ મેચમાં રમ્યો નહોતો અને હાલ રમાઈ રહેલી ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચોની સિરીઝમાંથી પણ તે બહાર છે. બુમરાહે આ માટે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ પાસે રજા માગી હતી અને તે મંજૂર કરવામાં આવી હતી. બુમરાહ તેની માતા અને બહેનની સાથે અમદાવાદમાં રહે છે.