ઈરાન: હિજાબને લઈને વધી રહેલા સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય વિરોધ વચ્ચે ઈરાને હિજાબ કાયદાના અમલીકરણ પર પ્રતિબંધ મૂક્યો છે. ઈરાનની રાષ્ટ્રીય સુરક્ષા પરિષદે ગયા શુક્રવારથી અમલમાં આવેલા વિવાદાસ્પદ ‘હિજાબ અને પવિત્રતા કાયદા’ના અમલને અટકાવી દીધો છે. ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજેશ્કિયાને હિજાબ કાયદા અંગે કહ્યું કે આ કાયદો અસ્પષ્ટ છે અને તેમાં સુધારાની જરૂર છે. તેમણે સંકેત આપ્યો છે કે અમલ કરતા પહેલા તેની જોગવાઈઓ પર પુનઃર્વિચાર કરવામાં આવી શકે છે.ઈરાનના વિવાદાસ્પદ કાયદામાં એવી મહિલાઓ અને છોકરીઓ માટે સખત સજાની જોગવાઈ છે, જેઓ વાળ, હાથ અને પગને સંપૂર્ણપણે ઢાંકતી નથી. કાયદામાં આવી છોકરીઓ અને મહિલાઓને દંડ અને 15 વર્ષ સુધીની લાંબી જેલની સજાનો સમાવેશ થાય છે. એમનેસ્ટી ઈન્ટરનેશનલ સહિત અનેક માનવાધિકાર સંગઠનોએ આ કાયદાની નિંદા કરી છે.
ઈરાની ગાયકની ધરપકડથી આક્રોશ
ગયા અઠવાડિયે પ્રસિદ્ધ ગાયિકા પરસ્તુ અહમદીની ધરપકડ બાદ ઈરાનમાં હિજાબની ચર્ચાએ જોર પકડ્યું હતું. અહમદીએ હિજાબ પહેર્યા વિના યુટ્યુબ પર વર્ચ્યુઅલ કોન્સર્ટ કર્યો. જે થોડી જ વારમાં વાયરલ થઈ ગયો. વિડીયો વાયરલ થતાની સાથે જ ઈરાની સિંગર અને તેના બેન્ડની ધરપકડ કરવામાં આવી હતી. જેના કારણે લોકોમાં ભારે રોષ ફેલાયો હતો. જો કે, વધી રહેલા વિરોધને જોતા, અધિકારીઓએ તેમને એક દિવસ પછી છોડી દીધા હતા.