સિડની: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર ગાવસ્કર ટ્રોફીની અંતિમ અને પાંચમી ટેસ્ટ શુક્રવાર (03 જાન્યુઆરી)એ રમાઈ રહી છે. ઓસ્ટ્રેલિયા આ શ્રેણીમાં 2-1થી આગળ છે. આ મેચમાં રોહિત શર્માની જગ્યાએ જસપ્રીત બુમરાહે ભારતીય ટીમની કમાન સંભાળી છે. ભારતીય ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પાંચમી ટેસ્ટની પ્રથમ ઈનિંગ દરમિયાન ઓસ્ટ્રેલિયાના બોલરોએ તરખાટ મચાવ્યો. પ્રથમ બેટિંગ કરતા બુમરાહના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયા માત્ર 185 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. આ સમયગાળા દરમિયાન ઓસ્ટ્રેલિયા તરફથી સ્કોટ બોલેન્ડે સૌથી વધુ 4 વિકેટ ઝડપી હતી. ભારત તરફથી પંતે સૌથી મોટી 40 રનની ઇનિંગ રમી છે.