વડોદરા:બીજા નોરતાની રાત્રે ભાયલી વિસ્તારમાં સગીરા પર થયેલા ગેંગરેપ કેસમાં સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (સીટ)એ માત્ર 11 દિવસમાં જ પાંચ આરોપીઓ સામે 6,000 પાનાની ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી છે. આ કેસમાં પોલીસે કુલ 5 આરોપીની ધરપકડ કરી છે.
એસ.પી.રોહન આનંદની અધ્યક્ષતામાં રચાયેલ સીટમાં તપાસ અધિકારી તરીકે ડી.વાય.એસ.પી. બળવંતસિંહ ચાવડાએ ટેકનિકલ સર્વેલન્સ અને અન્ય પુરાવાઓની ઝીણવટભરી તપાસ કરી હતી. જેના પગલે આરોપીઓને ઘટનાના ચાર દિવસમાં જ શોધીને ધરપકડ કરીને કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરાયા હતા. આ સમયે પોલીસે 14 દિવસના રિમાન્ડની માગ કરી હતી જેની સામે કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. રિમાન્ડ પૂરા થતા પોલીસે ફરીથી રિમાન્ડની અરજી કરતા કોર્ટે વધુ 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.