નવી દિલ્હીઃ ચીનમાં HMPV વાઇરસના ઝડપથી ફેલાઈ રહ્યો છે. HMPV વાઇરસના બે કેસ કર્ણાટકમાં સામે આવ્યા છે. દેશમાં એકસાથે HMPVના બે કેસ મળ્યા છે. ત્રણ મહિના અને આઠ મહિનાના બાળકમાં hMPVની પુષ્ટિ થઈ છે. કર્ણાટક આરોગ્ય વિભાગે કેન્દ્ર સરકારને આ માહિતી આપી છે.
ત્રણ મહિનાની બાળકી બેંગલુરુની બેપ્ટિસ્ટ હોસ્પિટલમાં દાખલ છે. તેને બ્રોન્કોપ્ન્યુમોનિયાને લીધે દાખલ કરવામાં આવી છે. ત્યાર બાદ તેની સારવાર થઈ ચૂકી છે. બીજો કેસ એક આઠ મહિનાના બાળકમાં માલૂમ પડ્યો હતો. તેને ત્રીજી જાન્યુઆરીએ બેંગલુરુની બેપ્ટિસ્ટ હોસ્પિટલમાં બ્રોન્કોપ્ન્યુમોનિયાને કારણે દાખલ કરવામાં આવ્યો હતો. તેની HMPVની સારવાર ચાલી રહી છે. આશ્ચર્યની વાત છે કે આરોગ્ય મંત્રાલયના જણાવ્યાનુસાર બંને બાળકો કોઈ અન્ય દેશમાં ફરીને નથી આવ્યાં. આમ તેમની કોઈ ટ્રાવેલ હિસ્ટરી નથી, છતાં આ બાળકો નવા વાઇરસથી સંક્રમિત થયા છે.
આ વાઈરસના લક્ષણો શું છે?
આ વાઈરસને હ્યુમન મેટાપ્યુમો વાઈરસ અથવા HMPV વાઈરસ કહેવામાં આવે છે, જેનાં લક્ષણો સામાન્ય શરદી-ખાંસી જેવા જ હોય છે, પણ એમાં શ્વાસ સંબંધિત ઇન્ફેક્શન થાય છે. સામાન્ય કિસ્સાઓમાં તે ઉધરસ અથવા ગળામાં ખરાશ, વહેતી નાક અથવા ગળામાં દુખાવાનું કારણ બને છે. નાનાં બાળકો અને વૃદ્ધોમાં HMPV ચેપ ગંભીર હોઈ શકે છે. આ વાઈરસ નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોમાં ગંભીર બીમારીનું કારણ બની શકે છે.