છોકરીઓના અવાજને પ્લેટફોર્મ આપવા માટે ‘Empower Her’ સમિટનું આયોજન
નવી દિલ્હી: કેનેડાના હાઈ કમિશન અને ‘ગર્લ અપ ઈન્ડિયા’ સંસ્થાએ સાથે મળીને આંતરરાષ્ટ્રીય ગર્લ ચાઈલ્ડ દિવસની ઉજવણી કરી. જેમાં ‘EmpowerHer: Girls’ Vision for the Future’ નામની સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નિષ્ણાંતો, સામાજિક આગેવાનો, યુવા વકીલો અને કિશોરીઓને મહત્વના ક્ષેત્રો પર ચર્ચા કરવા માટે બોલાવવામાં આવ્યા હતા. આરોગ્ય અને પોષણ, જાતીય અને પ્રજનન સ્વાસ્થ્ય, શિક્ષણ, કૌશલ્ય વિકાસ અને આર્થિક તકો તેમજ હિંસાથી સલામતી જેવાં વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી.આ કાર્યક્રમમાં છોકરીઓના અવાજને વૈશ્વિક સ્તર પર એક મંચ મળી રહે તે માટે ચર્ચા કરવામાં આવી. જેમાં યુવા મહિલાઓને મજબૂત પરિવારો, સમૃદ્ધ સમુદાયો અને સમૃદ્ધ અર્થતંત્રો બનાવવા માટે સશક્તિકરણના મહત્વને પુનઃ સમર્થન મળે તે પ્રકારના પ્રયત્નો કરવા પર ભાર મૂકવામાં આવ્યો.
સમિટનું ઉદ્ઘાટન ભારતમાં કેનેડાના ડેપ્યુટી હાઈ કમિશનર પેટ્રિક હેબર્ટ દ્વારા કરવામાં આવ્યું હતું. તેમાં યુ.એન. વુમનના ડેપ્યુટી કન્ટ્રી રિપ્રેઝન્ટેટિવ કાંતા સિંઘ, યુથ કી આવાઝના ફાઉન્ડર અંશુલ તિવારી અને ‘કૂલ ધ ગ્લોબ’ એપ્લિકેશનના ફાઉન્ડર પ્રાચી શેવગાંવકર જેવી નોંધપાત્ર વ્યક્તિઓ દ્વારા આકર્ષક પેનલ ચર્ચાઓ કરવામાં આવી હતી.પોતાના વ્યક્તવ્યમાં પેટ્રિક હેબર્ટે ભારપૂર્વક જણાવ્યું કે, “છોકરીઓને સશક્ત બનાવવું એ માત્ર એક ઉદ્દેશ્ય નથી, તે એક સહિયારી જવાબદારી છે.”ગર્લ અપ ઈન્ડિયાના કન્ટ્રી ડિરેક્ટરે ઉમેર્યું, “સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ 5 (SDG-5) – લિંગ સમાનતા – હાંસલ કરવા માટે આ પ્રકારના સંમેલન જરૂરી છે. જ્યાં સમાજના મુખ્ય હિસ્સેદારો છોકરીઓના અવાજને બુલંદ કરવા માટે ભેગા થાય છે. છોકરીઓને પ્રાથમિકતા આપતા તમામ ક્ષેત્રોમાં ભાગીદારી બનાવવી જરૂરી છે. ‘ નેતૃત્વ, શિક્ષણ અને સલામતી જ્યારે આપણે એક સામાન્ય હેતુ માટે એક થઈએ છીએ, ત્યારે આપણે માત્ર વ્યક્તિગત છોકરીઓને જ સશક્ત કરી શકતા નથી પરંતુ વધુ ન્યાયી સમાજ માટે પાયાનું કામ કરીએ છીએ.”