અમદાવાદઃ હવામાન વિભાગની આગાહી મુજબ આજથી ચાર દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડે એવી શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે વરસાદ લાવે તેવી ત્રણ સિસ્ટમ સક્રિય થઈ છે. જેના લીધે આગામી દિવસોમાં રાજ્યના સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાત અને રાજ્યના અન્ય ભાગોમાં પણ ભારે વરસાદ થવાની સંભાવના છે. બીજી બાજુ માછીમારોને દરિયો ન ખેડવા પણ હવામાન વિભાગે સૂચના આપી છે. જોકે અમદાવાદ, વડોદરા, આણંદ અને પંચમહાલમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગ દ્વારા કરાયેલી આગાહી પ્રમાણે અરબી સમુદ્ર પર સાઇક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. આ સિવાય રાજસ્થાન પર પણ સિસ્ટમ સક્રિય બની છે. અને વધુ એક વરસાદ લાવે તેવી સિસ્ટમ સર્જાઈ છે. આ સિસ્ટમના લીધે આગામી દિવસોમાં રાજ્યના દક્ષિણ ભાગમાં તથા સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના છે.
વલસાડમાં વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે. જિલ્લામાં સૌથી વધુ ઉમરગામ તાલુકામાં છ ઈંચ વરસાદ વરસી ચૂક્યો છે. વલસાડ તાલુકામાં 108 મિમી, વાપી તાલુકામાં 87 મિમી, કપરાડા 41 મિમી, ધરમપુર 30 મિમી વરસાદ નોંધાયો છે.