ચીની વૈજ્ઞાનિકોએ પ્રોસ્ટેટ કેન્સર માટે જવાબદાર એક જનીનને ઓળખી કાઢ્યું છે, જેનાથી આ બીમારીને શોધી અને સારવાર કરવાના નવા રસ્તાનો ઉપયોગ કરી શકાય છે. ચીનની સત્તાવાર સમાચાર એજન્સી શિન્હુઆએ અહેવાલ આપ્યો છે કે સુઝોઉ ઇન્સ્ટિટ્યૂટ ઑફ બાયોમેડિકલ એન્જિનિયરિંગ ઍન્ડ ટૅક્નૉલૉજીના વૈજ્ઞાનિકોએ ‘પીસીસીએટી’ નામના નવા બાયોમાર્કરની શોધ કરી છે.
સંશોધન દર્શાવે છે કે પ્રૉસ્ટેટ કેન્સરના દર્દીઓમાં PCSEAT ઊંચી માત્રામાં હોય છે, જે દર્શાવે છે કે PCSEAT સંભવિત ઉપચારાત્મક લક્ષ્ય હોઈ શકે છે. આ સંશોધન મે મહિનામાં ‘બાયોકેમિકલ એન્ડ બાયોફાર્માસ્યુટિકલ રિસર્ચ કમ્યુનિકેશન્સ’ માં પ્રકાશિત કરવામાં આવ્યું છે. તેઓ સંશોધનના આધારે પ્રારંભિક પ્રૉસ્ટેટ કેન્સરનું ઝડપથી નિદાન કરી શકે છે. તેનાથી ઉપચારના ખર્ચમાં ઘટાડો થઈ શકે છે.
પ્રૉસ્ટેટ કેન્સર (પ્રૉસ્ટેટ ગ્રંથિમાં કેન્સર) ભારતના પુરુષોમાં થતા દસ મુખ્ય કેન્સરમાંથી એક છે. એક અહેવાલ મુજબ, ભારતમાં દર વર્ષે 12,231 લોકો પ્રોસ્ટેટ કેન્સરથી મૃત્યુ પામે છે. આંકડા દર્શાવે છે કે ભારતના તમામ ક્ષેત્રો પ્રોસ્ટેટ કેન્સરથી પ્રભાવિત છે. તેની સારવાર માટે વિશ્વભરના નિષ્ણાતો ઘણા વર્ષોથી રસી બનાવવનો પ્રયાસ કરતા હતા. બ્રિટનની ક્વિન્સ યુનિવર્સિટી બેલફાસ્ટના નિષ્ણાતોનો દાવો છે કે તેઓએ એક એવી દવા બનાવી છે જે શરીરની રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરશે. પ્રતિકારક શક્તિ વધતાં પ્રતિરક્ષા પ્રણાલી વધારે મજબૂત બને છે અને રોગપ્રતિકારક તંત્ર કેન્સરના કોષો બનતા જ તેનો ખાતમો કરે છે.
બ્રિટિશ નિષ્ણાતોનો દાવો છે કે આ દવાથી પુરુષોને થતા પ્રૉસ્ટેટ કેન્સરનો પણ ઈલાજ થઈ શકે છે. નિષ્ણાતો જણાવે છે કે તેમના દ્વારા તૈયાર થયેલ દવા એ રસીનો એક પ્રકાર છે. તે માત્ર નાની ઉંમરે જ પુરુષોને આપવામાં આવશે, જેથી તેમને ભવિષ્યમાં પ્રૉસ્ટેટ કેન્સર ન થાય.
સંશોધકોનો દાવો છે કે તેને કોષો સુધી પહોંચવા માટે કોઈ અસરકારક ઉપાય નહોતો મળી રહ્યો. નિષ્ણાતો પ્રોસ્ટેટ કેન્સરની સારવાર માટે નિષ્ણાત આરએનએ રસી બનાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. છેવટે, તેને ચામડીથી કોષ સુધી પહોંચાડવા રસીનું રૂપ આપ્યું. આ રસી શરીરના આનુવંશિક સંદેશાવાહક આરએનએનો ઉપયોગ કરશે, જેનાથી પ્રૉસ્ટેટ કેન્સરના કોષોને ઓળખવામાં મદદ મળશે. તેનું પરીક્ષણ પ્રયોગશાળામાં કરવામાં આવ્યું છે, હવે ઉંદરો પર પરીક્ષણ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.
સામાન્ય રીતે પ્રૉસ્ટેટ કેન્સરનાં લક્ષણો પ્રારંભિક તબક્કે દેખાતા નથી. કેટલાંક લક્ષણો અદ્યતન તબક્કામાં આવે છે, જેમ કે પેશાબમાં તકલીફ, વારંવાર પેશાબ કરવાની ઈચ્છા, સામાન્ય કરતા વધુ વાર પેશાબ થવો, હાડકાંમાં પીડા, પેશાબમાં લોહી, મૂત્રાશય અથવા આંતરડા નિયંત્રણમાં ક્ષતિ, નબળાઇ કે પગમાં ખાલી ચડવી વગેરે ઘણાં મુખ્ય લક્ષણો છે.