આજે (૩ જૂને) વિશ્વનો પહેલો સાઇકલ દિવસ ઉજવાશે. ઘણી વાર કોઈ ચીજ છોડ્યા કે ગુમાવ્યા પછી જ તેની કિંમત સમજાતી હોય છે. પહેલાં સાઇકલ હોવી એ મોટી જણસ હતી. પરવાનો (લાઇસન્સ) લેવો પડતો. તેમાં જો ડાયનેમો (લાઇટ) ન લગાડ્યો હોય તો દંડ થતો. તેની રમૂજ પણ બનતી. પરંતુ સમય જતાં પેટ્રોલ આધારિત મોપેડ આવ્યા અને તે પછી સ્કૂટર, બાઇક અને ગિયરલેસ સ્કૂટર આવ્યા. તેમાંય કાર સુલભ બની એટલે તેનું ચલણ વધ્યું. આના લીધે થયું એવું કે શારીરિક શ્રમ બંધ થઈ ગયો.
પરંતુ ચક્ર ફરે ત્યારે ફરી મૂળ સ્થિતિએ પાછું ફરે છે. થયું એવું કે વાહનો બહુ વધી ગયાં. ટ્રાફિક જામ થવા લાગ્યો. પેટ્રોલ-ડીઝલ-સીએનજી વગેરેના ભાવો વધવા લાગ્યા. અધૂરામાં પૂરું વજન પણ વધવા લાગ્યું. આથી હવે વિશ્વને ફરીથી સાઇકલનું મહત્ત્વ સમજાઈ રહ્યું છે.સાઇકલ ચલાવવામાં ટાયરમાં હવા પૂરાવવા સિવાય કોઈ ખર્ચ થતો નથી. ઉપરાંત, તેને પાર્ક કરવા માટે ખાસ જગ્યા જોઈતી નથી. ટ્રાફિકમાં પણ નાની એવી જગ્યામાં સાઇકલ સરળતાથી નીકળી જાય છે. તેથી ઝડપથી પહોંચી શકાય છે.
આ સિવાય આરોગ્યને ધ્યાનમાં રાખીને પણ સાઇકલના ફાયદા છે.
1. પ્રતિકાર શક્તિ મજબૂત થશે
નિયમિત સાયકલ પ્રતિકારક તંત્રને મજબૂત બનાવે છે. કૅરૉલિના યુનિવર્સિટીના એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે જે લોકો સપ્તાહમાં ઓછામાં ઓછા પાંચ દિવસ અડધા કલાક સાઇકલ ચલાવે છે તેમની બીમાર પડવાની શક્યતા બીમાર ૫૦ ટકા ઘટી જાય છે.
2. હૃદય તંદુરસ્ત રહેશે
સાઇકલ ચલાવતી વખતે હૃદયના ધબકારા વધી જાય છે. તેના લીધે શરીરમાં રક્ત પરિભ્રમણ વધે છે. તેના લીધે હૃદયરોગના હુમલા જેવી સમસ્યા થતી નથી. હૃદય સાથે જોડાયેલી અન્ય બીમારીઓનું જોખમ નોંધપાત્ર રીતે ઘટાડે છે.
3. તણાવમાંથી રાહત
વિભિન્ન અધ્યયનોમાં જાણવા મળ્યું છે કે નિયમિત રીતે સાઇકલ ચલાવવાથી તણાવ અને અવસાદની તકલીફ અન્ય લોકો કરતાં ઓછી આવે છે.4. શક્તિ વધશે
સાઇકલ ચલાવતી વખતે રક્તકોશો અને તવચામાં ઑક્સિજનનો પૂરતો પુરવઠો મળે છે. તેનાથી તમારી ત્વચા વધુ સારી અને ચમકદાર થાય છે. તમે સમવયસ્ક લોકો કરતાં વધુ યુવાન દેખાવ છો. માત્ર યુવાન દેખાતા જ નથી, તમારું શરીર વાસ્તવમાં યુવાન બની જાય છે. તમને એમ લાગે કે શક્તિમાં વધારો થયો છે અને શરીરમાં નવી ઊર્જા અને જોમ આવી ગયાં છે.
5. સ્નાયુઓ મજબૂત થશે
જે લોકો સાઇકલ ચલાવવાના શોખીન છે તેમની માંસપેશીઓ ઘણી મજબૂત હોય છે. ખાસ કરીને પગના. ખરેખર, સાઇકલ ચલાવવી એ પગ માટે શ્રેષ્ઠ વ્યાયામ છે. આમ જોઈએ તો સાઇકલિંગ સમગ્ર શરીર માટે સારા વ્યાયામ છે.
6. સંતુલન સાધવામાં મદદ મળશે
સાઇકલ ચલાવવાનો લાભ એ પણ છે કે તેનાથી શરીરના તમામ ભાગો વચ્ચે સારું સમન્વય સધાય છે. હાથ, પગ, આંખો આ બધા વચ્ચે સારું સમન્વય થવું તે શરીરના સમગ્ર સંતુલનને સુધારે છે. એટલું જ નહીં. જો તમારે બાઇક કે સ્કૂટી શિખવી હોય તો સાઇકલ શિખેલી હોય તો સરળતાથી શીખી શકો છો.
7. સૌથી મોટો લાભ, વજનમાં ઝડપથી ઘટાડો થશે
નિયમિત રીતે સાઇકલ ચલાવવાથી તમને થોડા જ દિવસોમાં વજન ઘટેલું જણાશે. શરીરમાં રહેલી વધારાની ચરબી ઘટાડવામાં સાઇકલિંગ સૌથી સારા વ્યાયામ પૈકીની એક છે. બ્રિટિશ સંશોધકોનું કહેવું છે કે જો તમે રોજ અડધો કલાક સાઇકલ ચલાવો છો તો તમારા શરીરનું વજન ક્યારેય નહીં વધે.