પેટની ચરબીને ઘટાડવા માટે મોંઘી સારવાર જરૂરી નથી

વિશ્વ ભરના લોકો માટે આરોગ્યની સૌથી મોટી સમસ્યા પૈકીની એક છે- વજન ઘટાડવું અને તેમાંય ઘણાને વજન તો ઓછું હોય છે પરંતુ કમર અથવા ફાંદ વધી જાય છે. ઘણા પોતાના શરીરનું વજન ઘટાડવામાં તો સમર્થ રહે છે પરંતુ કમર જે કમરો થઈ ગઈ છે તેને ઘટાડી શકતા નથી. આ કમર ઘટાડવા માટે ઘણા જિમમાં જાય છે, તો ઘણા ભોજન ઘટાડી નાખે છે પરંતુ તેમ છતાં કમર ઘટતી નથી.આ માટે આયુર્વેદમાં ઉપાય છે.  આયુર્વેદ મુજબ, પેટની ચરબીથી કફ દોષમાં વૃદ્ધિ થાય છે. પેટની ચરબી તંદુરસ્ત આહાર લેવાથી ઘટી શકે છે. તેમાં સક્રિય જીવનશૈલી પણ જરૂરી છે અને બપોરની ઊંઘ તો સદંતર બંધ જ કરવી જોઈએ. આમ, પેટની ચરબી ઘટાડવા નીચેની સલાહ ધ્યાનમાં લેવી જોઈએ.

સર્કરાને ટાળો. કફ અને મેદ વધારે તેવી ચીજો તમારે ખાવાની ટાળવી જોઈએ. આવી વાનગીઓમાં મીઠાઈ, ખાંડ અથવા ગળપણવાળાં પીણાં, કાર્બૉહાઇડ્રેટ ધરાવતી ખાદ્ય ચીજો અને તેલથી ભરપૂર ચીજોનો સમાવેશ થાય છે. કાર્બૉહાઇડ્રેટ ધરાવતી ખાદ્ય ચીજો ખાવાથી તે શરીરમાં સર્કરા બનાવે છે અને તે શરીરના ચરબી પ્રત્યે અનુકૂળ વિસ્તારોમાં જમા થાય છે, પરિણામે શરીર પર ચરબી વધે છે.

તમારા ભોજનમાં ઘઉં આધારિત ચીજો વધારો અને ચોખા આધારિત ચીજો ઘટાડો. આયુર્વેદ નિષ્ણાતો મગ અને કળથીનો ઉપયોગ કફ અને મેદ ઘટાડવા માટે કરવા સૂચવે છે.

ઘણું બધું પાણી પીવાથી તમારું વજન અસરકારક રીતે ઘટી શકે છે. પેટની ચરબી ઘટાડવામાં પાણી મહત્ત્વની ભૂમિકા ભજવે છે કારણકે તે વધારાનું પાણી બહાર કાઢે છે અને તમારી પાચનશક્તિ પણ વધારે છે. તમે સવારમાં ઊઠો ત્યારે એક ગ્લાસ હૂંફાળું પાણી પીવાનું રાખો. તે પછી દર કલાકે એક ગ્લાસ પાણી પીવાથી તમારા પેટ આસપાસની ચરબી ઓગળી જશે. પેટની ચરબી ઘટાડવા માટે ભોજન પછી પાણીમાં એક ચમચી ત્રિફળા ચૂર્ણ ઉમેરી તેને ગરમ કરી તેને મધ સાથે લેવાનું રાખો.

આ ઉપરાંત ભોજનમાં મીઠાનું પ્રમાણ ઘટાડો. દૂધ આધારિત ચીજો જેમ કે આઈસક્રીમ અને માખણ પણ ઘટાડો કારણકે તેમાં સર્કરા વધુ હોય છે.

આ ઉપરાંત જૈવિક ખોરાક લો. સવારે બે ફળ અને સાંજે એક ફળ ખાવાનું રાખો. તમારે એવું ભોજન લેવું જોઈએ જે ઇન્સ્યુલિન પ્રતિકાર વધારે અને રક્તના પ્રવાહમાં સર્કરાનું પ્રમાણ વધવાથી રોકે. આથી તમારી રસોઈમાં તજ, આદુ અને મરીનું પ્રમાણ વધારો. આ ઉપરાંત લવણતૈલમથી પેટ પર માલિશ કરો. માલિશની પંદર મિનિટ પછી હૂંફાળા પાણીથી સ્નાન કરો. આ સિવાય બીજો વિકલ્પ છે કે વારાડી ટૉનિક ૧૫ મિલી લઈ તેને ૬૦ મિલી ગરમ કરીને ઠંડા કરેલા પાણીમાં ભેળવો. તેમાં મધ નાખો અને તે રોજ સવાર સાંજ એક ચમચી લો. આ ટૉનિક લીધા પછી ૧૫ મિનિટ સુધી આરામ કરો.

કળથીનો ભૂકો કરી તેમાં ગરમ કરેલી છાશ નાખી ચટણી જેવું બનાવો. તેને પેટ પર લગાડો અને ઉપરની તરફ માલિશ કરો. માલિશના એક કલાક પછી હૂંફાળા પાણીથી નહાવો.

જો તમારે પેટની ચરબી ઘટાડવી હોય તો બપોરે સૂવાની ટેવ છોડી દો. અને હા, કસરત કરવી જરૂરી છે. પરસેવો પાડશો તો ચરબી આપોઆપ ઘટશે. તરવું, સ્ફૂર્તિથી ચાલવું, ધીરે ધીરે દોડવું વગેરે કરવાથી પણ તમારા પેટની ચરબી ઘટશે.

મોંઘી મોંઘી સારવાર કે હોજરી સંકોચી નાખી ભૂખ ઘટાડી કુપોષણનો શિકાર અને ઘણી વાર મરણને શરણ બનાવતી સારવાર કરતાં આ સરળ પરંતુ લાંબા ગાળે પરિણામ આપતી રીત આયુર્વેદ નિષ્ણાતની સૂચના મુજબ અપનાવી જોવામાં કંઈ ખોટું નથી.