ભોપાલ હોસ્પિટલે તૈયાર કરેલાં ફેસ સુટમાં કોરોના વાયરસ-ફ્રી કમ્પ્રેસ્ડ હવા છે. જેના થકી કોવિડ-19 ડ્યૂટી દરમ્યાન દર્દીઓની દેખભાળ લેનારા હેલ્થકેર વર્કરો ચોખ્ખી હવા શ્વસનમાં લઈ શકે છે!
ભોપાલની પ્રાઈવેટ હોસ્પિટલના એક ડોક્ટરે કોરોના વાયરસ સામે સલામતીપૂર્વક લડવા માટે સાદી પણ બુદ્ધીપૂર્વકની એક બહુ જ મહત્વપૂર્ણ શોધ કરી છે. તેમણે અન્ય ડોક્ટર્સ, નર્સ તેમજ હેલ્થ કેર વર્કરો માટે ‘એર બબલ્સ’ બનાવ્યાં છે. જે સંપૂર્ણ સીલ કરેલાં, પારદર્શક તેમજ પૂરા ચહેરાને ઢાંકી રાખતા ફેસ કવર છે. એક રીતે કહીએ તો ફેસ સુટ જેવાં છે. જેમાં એક ટ્યુબ દ્વારા હવા સપ્લાય થતી રહે છે. આ ઉપરાંત પોર્ટેબલ એર બબલ્સ પણ બનાવવામાં આવ્યાં છે. જેમાં સ્વતંત્ર રીતે હવાની સપ્લાય થાય છે. આ હવા કોરોના વાયરસથી મુક્ત કમ્પ્રેસ્ડ હવા છે. આ ફેસ કવર પહેરીને કોરોના વોરિયર્સ પોતાની સલામતી જાળવીને, કોરોના દર્દીની દેખભાળ કરી શકે છે!
આ મહત્વપૂર્ણ શોધ કરનાર કાર્ડિઓલોજીસ્ટ ડૉ. સ્કંદ ત્રિવેદી કહે છે, ‘આ એર બબલ્સ ખાસ કરીને હેલ્થકેર વર્કરો કે, જેઓ દિવસ-રાત કોરોના દર્દીની સારવારમાં ઉભાં હોય છે તેમના માટે, તેમજ ડોક્ટર્સ, નર્સ તેમજ ટેક્નિશિયનોના પણ જીવના જોખમ ટાળવા માટે બનાવ્યાં છે. કેમ કે, કોરોના વાયરસના દર્દીઓની રાહત માટે આ જ લોકો એક મુખ્ય સધિયારો છે.’
વધુમાં ડોક્ટરે ઉમેર્યું, ‘કોવિડ-19 મુખ્યત્વે કોરોનાવાયરસથી દૂષિત થયેલી હવા શ્વસનમાં લેવાથી થાય છે. કોરોના દર્દીઓ જે હવા ઉચ્છવાસ વાટે બહાર કાઢે છે. તે જ હવા અમારા હેલ્થકેર વર્કરો શ્વસનમાં લે, તો તેઓ પણ તકલીફમાં જ આવી જાય! મારો સ્ટાફ એકસરખા 8 કલાક અહીં કામ કરે છે, તેથી તે લોકોની સલામતી માટે મેં આ શોધ કરી છે.’
કાર્ડિયોલોજીસ્ટે કહે છે, ‘અમે અમારા કેટલાંક ડોક્ટર ગુમાવ્યાં છે. જો અન્ય કોવિડ સેન્ટરોમાં પણ આવાં જ એર બબલ્સની વ્યવસ્થા કરવામાં આવે તો મને ઘણી ખુશી થશે! કેમ કે, તેનાથી ઘણાં ડોક્ટર્સ તેમજ હેલ્થકેર વર્કરોના જીવ બચાવી શકાય છે. કારણ કે, આ લોકો ફક્ત કોવિડ-19થી ગ્રસિત જ નથી થતાં. પરંતુ તેને લીધે તેમના મૃત્યુ પણ થયા છે. આ એર બબલ્સ મૃત્યુ પામેલાં દરેક કોરોના વોરિયર્સ માટે બહુ મોટી શ્રદ્ધાંજલી ગણાશે.’
ડોક્ટરે વધુમાં જણાવ્યું, તેમનો સ્ટાફ એર બબલ્સ પહેરીને ફરજ નિભાવી રહ્યો છે અને તેમને આ ‘એર બબલ્સ’ બહુ આરામદાયક લાગી રહ્યાં છે.
કોવિડ-19 વોર્ડમાં ફરજ નિભાવનાર હેલ્થકેર વર્કરોને લાંબા સમય સુધી PPE કિટ્સ પહેરી રાખવા પડે છે. જેના લીધે તેમને ગૂંગળામણ તેમજ ડિહાઈડ્રેશન થવા ઉપરાંત બીજી ઘણી તકલીફો સહન કરવી પડે છે. સ્વબચાવ માટે પહેરવામાં આવતા આ કિટને કોરોના વાયરસ વોર્ડમાં દાખલ થવા પહેલાં જ પહેરી લેવા પડે છે અને જ્યાં સુધી ડ્યુટી પૂરી ન થાય ત્યાં સુધી તે કાઢી નથી શકાતાં. કારણ કે, ફક્ત પાણી પીવા માટે કે યુરિનેશન માટે પણ જો આ કિટ કાઢવામાં આવે તો, કોરોનાનું સંક્રમણ લાગી શકે છે.
જો કે, આ હોસ્પિટલમાં ઘણાં ‘એર બબલ્સ’ એર ટ્યુબ સાથે જોડાયેલાં છે. આ એર ટ્યુબ્સ મોટા કમ્પ્રેશરને જોડાયેલી છે અને આ કમ્પ્રેશર હોસ્પિટલની બિલ્ડીંગથી 200 ફુટ દૂર રાખવામાં આવ્યાં છે. અમુક એર બબલ્સ પોર્ટેબલ પણ છે.
પોર્ટેબલ એર બબલ્સ વિશે ડો. ત્રિવેદી જણાવે છે, ‘પોર્ટેબલ એર બબલ્સ થકી અમારા ડોક્ટર્સને તેમના દર્દીઓને તપાસવા માટે રાઉન્ડ પર જવું સહેલું થઈ ગયું છે!’