શેખ હસીનાએ યુનુસ શાસનને કેમ ‘ફાસીવાદી’ ગણાવ્યું?

નવી દિલ્હી: બાંગ્લાદેશના પદભ્રષ્ટ વડાપ્રધાન શેખ હસીનાએ તેમના દેશની વચગાળાની સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. શેખ હસીનાએ બાંગ્લાદેશના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસ પર ‘ફાસીવાદી વહીવટ’ ચલાવવાનો આરોપ મૂક્યો છે.શેખ હસીનાએ, લંડનમાં ‘આવામી લીગ’ના વિદેશી સમર્થકોની સભાને ડિજિટલી સંબોધિત કરતા સમયે, મોહમ્મદ યુનુસ પર જુલાઈ-ઓગસ્ટમાં થયેલા ઉથલપાથલના ‘ચાવીરૂપ કાવતરાખોર’ હોવાનો આરોપ મૂક્યો હતો. જેમણે તેમની સરકારને સત્તા પરથી હટાવી હતી. તેમણે બાંગ્લાદેશમાં ધાર્મિક લઘુમતીઓના કથિત અત્યાચાર માટે મોહમ્મદ યુનુસ અને તેમની વચગાળાની સરકારની ટીકા કરી હતી.શેખ હસીનાએ કહ્યું, ‘5 ઓગસ્ટ પછી લઘુમતીઓ, હિંદુઓ, ખ્રિસ્તીઓ અને બૌદ્ધ ધર્મના અનુયાયીઓનાં પૂજા સ્થાનો પર હુમલા વધી ગયા છે. અમે તેની નિંદા કરીએ છીએ. નવા શાસનમાં જમાત અને આતંકવાદીઓને છૂટો દોર મળી ગયો છે. છેલ્લા કેટલાક સપ્તાહમાં બાંગ્લાદેશમાં હિંદુઓ અને અન્ય લઘુમતીઓ વિરુદ્ધ હિંસા તેમજ મંદિરો પર હુમલાની ઘટનાઓ વધી છે, જેના વિશે ભારતે પણ ચિંતા વ્યક્ત કરી છે.