અમદાવાદ: 26મી માર્ચે બ્રિટિશ સંસદના હાઉસ ઓફ લોર્ડ્સમાં ભારત અને દક્ષિણ એશિયાની 20 ભાષાઓ ધરાવતી વાઇબ્રન્ટ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન સંસ્કૃતિ સેન્ટર ફોર કલ્ચરલ એક્સેલન્સે APPG મોર્ડન લેંગવેજીસ સાથે મળીને કર્યુ હતું. સાથે જ તેનું સંચાલન હાઉસ ઓફ લોર્ડ્સના ડેપ્યુટી લીડર Rt.Hon લોર્ડ ધોળકિયા દ્વારા કરવામાં આવ્યું હતું.
યુનેસ્કો દ્વારા ઉજવવામાં આવતા વિશ્વ કવિતા દિવસની ઉજવણીનું આ 25મું વર્ષ હતું. જે નિમિત્તે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કાવ્ય પઠન, ગીતો, ડાન્સ અને અન્ય સાંસ્કૃતિક અભિવ્યક્તિઓ રજૂ કરવામાં આવી હતી.
લંડનમાં ડૉક્ટર તરીકે કાર્યરત ગુજરાતી ડૉ.ક્રિષ્ના પટેલે ‘પાણી’ પર એક રસપ્રદ ગુજરાતી કવિતા સંભળાવીઃ
તું વહે છે તો તું ઝરણું છે, નીચે પછડાય ને તું મનને ઉભારે છે
એમાં થોડો વેગ પૂરું તો તું નદી છે, એ ગતિને નિહારું તો મનના વિચારો થોભે છે…
યુ.કે. સ્થિત એન્ય ગુજરાતી વિભૂતિ શાહે એક પરંપરાગત ગરબો રજૂ કર્યો હતો. જે મૂળ રીતે તેમના માતાએ દાયકાઓ પહેલાં ગાયો હતો. જેને વિભૂતીબેને ફરી જીવંત કર્યો.