સુરત: હિન્દુ નેતાઓની હત્યાના કાવતરામાં મૌલવીની ધરપકડ બાદ અન્ય આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી છે. જેમાં અનેક તથ્યો સામે આવ્યા છે. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે આ અંગે એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેમણે તપાસ દરમિયાનની મોટી વાતો કરી હતી. મૌલવી પાસેથી બે અલગ-અલગ જન્મના પ્રમાણપત્ર મળ્યા છે. તો બીજી તરફ મૌલાના સુલેહ પાસે બે ઇલેક્શન કાર્ડ મળી આવ્યા છે. જેમાં સુરત અને નવાપુરનું ઇલેક્શન કાર્ડ મળી આવ્યું છે.
સુરત પોલીસ કમિશ્નર અનુપમસિંઘ ગેહલોતે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું કે, આ કેસમાં અત્યાર સુધીમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. નેપાળ બોર્ડર નજીક આવેલ બિહારના મુઝફરપુરથી ધરપકડ કરાયેલા શહેનાઝ ઉર્ફે મોહમ્મદ અલી મોહમ્મદ શાબિર અલગ-અલગ આઇડી પરથી ધમકી આપવાનું કામ કરતો હતો. બીજી તરફ શહેનાઝ પાકિસ્તાની છે અને તેનો એક હેન્ડલર પણ છે. તેણે 17 જેટલા વર્ચ્યુલ નંબરનો ઉપયોગ ધમકીઓ આપવા માટે કર્યો છે. જ્યારે 42 ઇ-મેઈલ આઇ.ડી. પરથી શહેનાઝે હિન્દુવાદી નેતાઓને ધમકીઓ આપી છે.
પોલીસનું વધુમાં કહેવું છે ઉત્તર પ્રદેશ A.T.S. અને પંજાબ પોલીસનો અમે સંપર્ક કરી રહ્યા છે. સાથે જ ઝડપાયેલા આરોપીઓના બેંક એકાઉન્ટની પણ તપાસ કરવામાં આવી રહી છે. પૈસા ટ્રાન્સફર કરવા આરોપીઓ હવાલાનો ઉપયોગ કરતા હતા. શહેનાઝ પાસેથી ભારત અને નેપાળની નાગરિકતા મળી આવી છે,જેને વેરીફાઈ કરવામાં આવી રહી છે.