છેલ્લાં કેટલાંક દિવસોથી દેશમાં એક મુદ્દો ચર્ચાના ચકડોળે ચઢ્યો છે અને તે છે બેંગલુરૂના AI એન્જિનિયર અતુલ સુભાષની આત્મહત્યાનો કેસ. જેના બાદ ફરી 498-એના દુરુપયોગને લઈને લોકોએ સવાલો પૂછવાના શરૂ કરી દીધા છે. આ કાયદો મહિલાઓને ઘરેલુ હિંસાથી બચાવવા માટે બનાવવામાં આવ્યો છે. આ મુદ્દે અદાલતોએ કરેલી ટિપ્પણીઓ પર લોકોના મિશ્ર પ્રતિભાવો હોય છે. એક તરફ અનેક ‘પુરુષ અધિકાર સમૂહો’એ કહ્યું કે વિવિધ કોર્ટો દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીઓથી કાયદાના દુરુપયોગની વાતને સ્વીકૃતિ મળે છે. જ્યારે બીજી તરફ અનેક મહિલા વકીલો અને કાર્યકર્તાઓનું કહેવું છે કે વર્ષોથી મહિલાઓ પર અત્યાચારો થતાં આવ્યા છે. ઘરેલું હિંસાના કારણે અનેક મહિલાઓ રોજ આત્મહત્યાઓ કરતી જ હોય છે. ત્યારે તે વાતને લઈને સમાજની સંવેદના શૂન્ય થઈ ગઈ છે. આજે એક પુરૂષે આત્મહત્યા કરી છે તો તેના માટે દેશભરમાં હોબાળો મચાવવામાં આવી રહ્યો છે. મહિલાઓની આત્મહત્યાની વધતા કિસ્સાઓનું શું?
આ જ મુદ્દે ચિત્રલેખા.કોમએ છોટી સી મુલાકાત વિભાગમાં ગુજરાત હાઈકોર્ટના સિનિયર વકીલ મેઘા ચિતલિયા સાથે વાત કરીને સમગ્ર કાયદા અને આવી ઘટનાઓને સમજવાનો પ્રયત્ન કર્યો.
મેઘા ચિતલિયા: કોઈ છોકરી લગ્ન કરીને સાસરે જાય છે અને તેને જો સાસરિયા તરફથી કે પતિ તરફથી મેન્ટલ કે ફિઝિકલ કોઈપણ પ્રકારનો ત્રાસ હોય તો તે દીકરી આ કલમ હેઠળ ફરિયાદ કરી શકે છે. એમાં સાથે એવિડન્સ એક્ટની 113A એ કલમ પણ છે. જેમાં કઈ પીડિત મહિલા લગ્નના 7 વર્ષની અંદર સાસરિયાના ત્રાસથી કંટાળીને આત્મહત્યા કરે છે ત્યારે આવી ફરિયાદમાં એમ માનવામાં આવશે કે આ જે સ્ત્રી છે તેણે સાસરિયા સહિત પતિના ત્રાસથી આપઘાત કર્યો છે.
મહિલા કાયદાઓના દુરુપયોગ થઈ રહ્યો છે તેવી પણ ચર્ચાઓએ વેગ પકડ્યો છે. તેના વિશે આપ શું કહેશો?
મારું એવું અવલોકન છે કે અનેક મહિલાઓ સાસરિયાના ત્રાસથી રોજબરોજ આપઘાત કરે જ છે. આજે એ વાતને ખુબ જ સામાન્ય રીતે લેવામાં આવે છે. પરંતુ એક પુરૂષે આત્મહત્યા કરી તો એ મુદ્દો બની ગયો છે. આજે એક સ્ત્રી જે પોતે માતા હોય છે તે પોતાના બાળકને એક નાનો ઘા થાય તો પણ તેનો જીવ જતો રહે છે. ત્યારે એ જ સ્ત્રી પર એટલો બધો ત્રાસ વધી જાય છે કે તે પોતાના નાના બાળક સાથે આપઘાત કરી લે છે. થોડાં દિવસ પહેલાં અમદાવાદના નરોડા વિસ્તારમાં એક પોલીસકર્મીની પત્નીએ પતિ અને સાસરિયાના ત્રાસથી પહેલાં પોતાના દીકરાને ઉપરથી નીચે ફેંક્યો અને ત્યારબાદ પોતે પણ કૂદીને આત્મહત્યા કરે છે. એટલે મહિલાઓ સાથે તો આવું રોજબરોજ બને જ છે. 306ની કલમ એટલે કે સામેવાળી વ્યક્તિને આપઘાત કરવા માટે પ્રોત્સાહિત કરવી. પરંતુ આ કલમ હેઠળ પણ પુરાવા આપ્યા બાદ કોર્ટમાં સાબિત થાય કે વ્યક્તિ જવાબદાર છે પછી જ સજા મળે છે. કેસ દાખલ થતાં જ વ્યક્તિને સજા મળી જાય છે તેવું પણ નથી. ખરેખર પુરૂષપ્રધાન સમાજમાં મહિલાઓ પરના અત્યાચારોનો ઈતિહાસ હજારો વર્ષો જૂનો છે જેથી જ આ પ્રકારના કાયદાની જરૂર પડી છે. આજના સમયમાં પણ દહેજપ્રથા ઘણા સમાજમાં પ્રચલિત છે, મહિલાઓ પરના ત્રાસના કિસ્સાઓ પણ એટલાં જ સામે આવતા હોય છે. આથી દુરુપયોગ કરતા મહિલાઓને ન્યાય અપાવવા માટે આ પ્રકારના કાયદાઓ ખૂબ જ જરૂરી છે.
આમાં ઘણી વખત એવું હોય છે કે સૂકાં જોડે લીલું બળે. જે સ્ત્રી ખરેખર ત્રાસ ભોગવે છે અને આત્મહત્યા કરે છે તે સ્ત્રી કે તેના પિયરીયા સમાજના બંધનોના કારણે 498Aની પોલીસ ફરિયાદ કરતા નથી. તેના મૃત્યુ પછી જ પિયરિયાઓ એ સ્ત્રીએ ભોગવેલ ત્રાસની વાત પોલીસ સમક્ષ રજૂ કરે છે. આથી પોલીસ દ્વારા ત્યારબાદ 498Aની ફરિયાદ દાખલ કરવામાં આવે છે. સાથે-સાથે એ પણ પ્રોબ્લમ છે કે અંતરિયાળ ગામડાઓમાં દીકરીઓના લગ્ન કરાવ્યા પછી તેમને ગમે તેટલો ત્રાસ હોય તો પણ પાછા પિયર આવવાની માતા-પિતાની મનાઈ હોય છે. આવી મહિલાઓ તો ક્યારેય પોલીસ કેસ કરતી જ નથી.
દરેક વ્યક્તિની માનસિક ત્રાસ અને શારીરિક ત્રાસ સહન કરવાની ક્ષમતા અલગ-અલગ હોય છે. જો તમે સુરતમાં હોવ અને ત્યાં ગાળ બોલીને વાત કરો તો તેને ત્રાસ ન ગણાય. ત્યાં બોલીમાં જ અનેક મીઠી ગાળો બોલવામાં આવતી હોય છે. પરંતુ જો તમે ગુજરાતના બીજા કોઈ જિલ્લામાં જાવ અને ગાળ બોલીને વાત કરો તો તેને ઓફેન્સની રીતે જોવામાં આવે છે. એટલે સુપ્રીમ કોર્ટ અથવા જુદી-જુદી હાઈકોર્ટે ઘણા જજમેન્ટમાં માનસિક ત્રાસ, શારિરીક ત્રાસ, જાતિય સતામણી અને આર્થિક હેરાનગતિ અંગેની વ્યાખ્યાની અંદર ક્યા-ક્યા ત્રાસનો સમાવેશ થાય છે તે અંગે વિવિધ જજમેન્ટ આપેલા છે. તે જ બતાવે છે કે માનસિક ત્રાસ, શારિરીક ત્રાસ, જાતિય સતામણી અને આર્થિક હેરાનગતિ આજે પણ બને છે. તેથી એમ ન કહી શકાય કે આ કલમનો દુરુપયોગ થઈ રહ્યો છે.
આમાં પણ બે ભાગ કહી શકાય. શિક્ષિત મહિલાઓ કાયદાઓ અંગે સભાન છે. પરંતુ ગ્રામીણ વિસ્તારની મહિલાઓમાં જોઈએ તેટલી જાગૃતિ નથી. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (NCRB) 2016ના અહેવાલો મુજબ IPCની કલમ 498A હેઠળ કુલ 1,10,378 કેસ નોંધવામાં આવ્યા હતા. આ 1,10,378 કેસમાંથી માત્ર 12.2% કેસમાં જ જેના પર આરોપો લગાવવામાં આવ્યા હતા તેઓ દોષી સાબિત થયા અને તેમને સજા ફટકારવવામાં આવી હતી. પુરૂષો તરફી કાયદા કે સ્ત્રી તરફી કાયદા એવું કંઈ નથી. કાયદા બધાં માટે સમાન છે. 498A એટલા માટે લગાવવામાં આવે છે કે જ્યારે એક છોકરી ઘર છોડીને જાય છે, ત્યારે તેનાં તરફ કોઈપણ ત્રાસ હોય અને જેનાં કારણે તેણે આપઘાત કરવો પડે એટલી હદે ત્રાસ હોય તો જ આ કલમ લગાવવામાં આવે છે. આમાં કાયદા કરતાં વધારે સમજણની જરૂર છે. જેટલી સ્ત્રીઓમાં હોય છે તેટલી જ પુરૂષોમાં પણ જરૂરી છે. આજે સમાજને એવું જોઈએ છે કે સ્ત્રી નોકરી કરે, ઘર સાચવે, બાળકોની જવાબદારી પણ ઉઠાવે. ત્યારે પુરૂષોએ આ વાત સમજવાની જરૂરિયાત છે કે આટલી બધી જવાબદારી જ્યારે કોઈના માથે હોય ત્યારે તે સ્ત્રીઓ સાથે સન્માનપૂર્વક વર્તન કરવું જોઈએ. સ્ત્રીની જવાબદારીઓમાં, તેના કામમાં મદદ કરવી જોઈએ. જેમ-જેમ સમય બદલાય છે તેમ-તેમ સ્ત્રી અને પુરૂષ બંન્નેએ બદલાવવાની જરૂરિયાત છે. આનો અર્થ એવો પણ નથી કે સ્ત્રીઓએ એવું સમજવું જોઈએ કે પુરૂષ કમાય અને મને ખવડાવે. અથવા તો લગ્ન કર્યા એટલે હું જેમ કહું તેમ થવું જોઈએ. સમજણ બંન્ને તરફની હોવી ખૂબ જ જરૂરી છે. અત્યારના સમયમાં કાયદામાં બીજા કોઈ પ્રકારના ફેરફાર કરવાની જરૂરિયાત હાલ તો મને લાગતી નથી.
(રાધિકા રાઓલ – અમદાવાદ)