જાણ્યે-અજાણ્યે, આપણે આપણા રોજિંદા જીવનમાં એક કે બીજી રીતે એવાં કોઈ કાર્ય કરીએ છે જેનાથી પર્યાવરણને નુકસાન થાય છે. પરંતુ તમે ક્યારેય વિચાર્યું છે કે આપણે કેવી રીતે પર્યાવરણને બચાવી શકીએ? આપણે મોટાભાગે તો આપણાથી શું થાય એમ વિચારીને બેસી જઇએ છીએ, કેટલાંક લોકો એવા હોય છે જે બેસી રહેવાના બદલે બદલાવની શરૂઆત કરે છે અને બીજાને પણ બદલાવની પ્રેરણા આપે છે.
આજે એવી જ એક વ્યક્તિની વાત, જેના કામની નોંધ ખુદ વડાપ્રધાને પણ લીધી છે. આ છે પંક્તિ પાંડે. અમદાવાદમાં રહે છે અને ઝીરોવેસ્ટઅડ્ડાના ફાઉન્ડર છે. એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજમાંથી ઈલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશનમાં એન્જિનિયરિંગ કર્યા પછી 2008માં ઈસરોમાં જોડાયા. ગગનયાન સહિત અનેક મહત્ત્વના પ્રોજેક્ટમાં કામ કર્યું.
પરંતુ તેમની સૌથી મોટી ઓળખ બની છે ઝીરો વેસ્ટ મેનેજમેન્ટ માટે લોકોને પ્રેરિત કરવાની. પંક્તિ ટકાઉ જીવન વિશે ખૂબ જ જાગૃત છે. પોતાના ક્લીનર્સ જાતે બનાવે છે, કચરામાંથી જાતે ખાતર તૈયાર કરે છે, જ્યારે પણ ખરીદી કરવા જાય છે ત્યારે પ્લાસ્ટિકની થેલીના બદલે કપડાની થેલીમાં જ વસ્તુઓ ખરીદવાનો આગ્રહ રાખે છે. ટકાઉ જીવન અને પર્યાવરણના બચાવ માટે એના સતત પ્રયાસોના કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેમને નેશનલ ક્રિએટર્સ એવોર્ડ (National Creators Award) હેઠળ ‘ફેવરિટ ગ્રીન ચેમ્પિયન એવોર્ડ’ થી સન્માનિત કર્યા.
પંક્તિ પાંડે સાથે ચિત્રલેખા.કોમએ જ્યારે વાત કરી ત્યારે તેમણે કહ્યું કે ઉપલબ્ધ સંસાધનનું સમ્માન કરવું એ તેઓ તેમના પરિવાર પાસેથી શીખ્યા છે. પરંતુ આ મુદ્દે તેઓ ગંભીર ત્યારે થયા, જ્યારે તેમણે પ્રેગનેન્સી માટે બે વર્ષનો બ્રેક લીધો હતો. આ દરમિયાન તેઓ વેસ્ટ મેનેજમેન્ટ વિશે એક રિપોર્ટ વાંચી રહ્યા હતા ત્યારે તેમને લાગ્યું કે આપણે ઈન્ડસ્ટ્રિયલ પ્રદૂષણ વિશે તો ખૂબ જ વાતો કરીએ છીએ. પરંતુ દરેક ઘરમાંથી જે વેસ્ટ નીકળે છે તેના મેનેજમેન્ટ વિશે તો કોઈ વાત કરતાં જ નથી.
એ પછી ઝીરો વેસ્ટની શરૂઆત પોતાના ઘરમાંથી જ થાય તે પ્રમાણે એમણે પોતાની દિનચર્યા શરૂ કરી. શરૂઆતમાં ઘણા પડકારો પણ આવ્યા. પરંતુ ધીમે-ધીમે તેમણે બધાં જ વેસ્ટનું મેનેજમેન્ટ યોગ્ય રીતે કર્યું. આમ વેસ્ટ મેનેજમેન્ટની એમની સફર તો શરૂ થઈ ગઈ હતી.
પરંતુ આ તો વાત હતી ફક્ત ઘર પૂરતી. ટર્નિંગ પોઈન્ટ ત્યારે આવ્યો જ્યારે એ અમદાવાદના પીરાણા વિસ્તારમાંથી દીકરી સાથે પસાર થઈ રહ્યા હતા. પસાર થતી વખતે જ્યારે દીકરીએ પ્રશ્ન પૂછ્યો કે આ શું છે અને અહીં આટલી દુર્ગંધ કેમ છે? ત્યારે પંક્તિએ જવાબ આપ્યો કે આ ડમ્પિંગ સાઈટ છે સમગ્ર શહેરનો કચરો અહીં આવે છે. દીકરીનો સામે પ્રશ્ન એ હતો કે આપણે તો કચરો કરતાં નથી તો શું બીજા લોકો પણ આપણી જેમ કચરાનો યોગ્ય નિકાલ કરતાં નથી?
બસ, દીકરીના આ પ્રશ્ન પછી પંક્તિને લાગ્યું કે ઝીરો વેસ્ટ મેનેજમેન્ટ લોકો સુધી પહોંચાડવું જોઈએ. એવામાં કોવિડના સમયે તેમને સોશિયલ મીડિયા પ્લેટફોર્મના પાવર વિશે સમજાયું. આથી તેમણે પણ પોતાના પ્રયત્નોના નાના-નાના વીડિયો બનાવીને અપલોડ કરવાનું શરૂ કર્યું. જેમાં તેમને ઘણો સારો પ્રતિસાદ મળ્યો. આજે ઈન્સ્ટાગ્રામ પર પંક્તિના 342K કરતાં પણ વધારે ફોલોઅર્સ છે અને તેમની વીડિયોની લોકો પર ઊંડી અસર પણ થઈ રહી છે. પંક્તિનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને પર્યાવરણ પ્રત્યે શિક્ષિત કરવાનો છે.
પંક્તિનું માનવું છે કે છેલ્લાં 20 વર્ષમાં કમ્યુનિકેશનથી લઈને ટેક્નોલોજીના ક્ષેત્રમાં ઘણાં બધાં પરિવર્તનો થયા છે, પરંતુ વેસ્ટ મેનેજમેન્ટના ક્ષેત્રમાં કોઈ ફેરફાર થયા નથી. જેનું પરિણામ છે કે આજે દરેક શહેરોમાં કચરાના ઢગલે-ઢગલા થઈ રહ્યા છે. તેના નિકાલ માટે જોઈએ એવી ઝડપી ટેક્નોલોજીનો ઉપયોગ થઈ રહ્યો નથી.
બીજું કે દરેક વ્યક્તિ આજે પોતાના બાળકના જન્મ પહેલાંથી જ તેની ફાયનાન્સિયલ સેફ્ટી કે મેડિકલ સેફ્ટી વિશે વિચારવા લાગે છે. પરંતુ કોઈપણ વ્યક્તિ પર્યાવરણીય સુરક્ષા વિશે વિચારતું જ નથી. આજે આ કચરાના ઢગલાં ગ્રીનહાઉસ ગેસ ઉત્પન્ન કરીને પર્યાવરણને નુક્સાન કરનારા ટૉપ-3 કારણોમાંથી એક છે, જેના કારણે ગ્લોબલ વોર્મિગની સમસ્યા સર્જાઇ છે.
પંક્તિ કહે છે, “લોકો એવું માને છે કે સમય મળતો નથી. કમ્પોઝ કરવા માટે તેમની પાસે જગ્યાનો અભાવ છે. મારા મતે આ બધાં બહાના છે. જો 8થી 9 કલાકની નોકરી કર્યા પછી પણ લોકોને સોશિયલ મીડિયા માટે સમય મળતો હોય તો તેઓ પર્યાવરણ માટે પણ સમય આપી જ શકે છે.
એમના મતે અમદાવાદ કરતાં બેંગ્લુરૂ, મુંબઈ કે દિલ્હી જેવાં મેટ્રો શહેરોમાં લોકોમાં પર્યાવરણને લઈને જાગૃતિ વધારે છે. મુંબઈમાં જ્યાં લોકો પાસે ખૂબ જ નાના ઘરો હોવા છતાં તેઓ નાની જગ્યામાં પણ ક્મ્પોઝ કરતાં હોય છે.
પંક્તિ સ્પષ્ટપણે માને છે કે આ કામમાં જેટલા વધારે લોકો જોડાશે અને પોતાનું યોગદાન આપશે એટલું જ આપણે ઝીરો-વેસ્ટની દિશામાં વધારે ઝડપથી આગળ વધી શકીશું.
(રાધિકા રાઓલ – અમદાવાદ)