ફ્લેમિંગોનાં ટોળાંના આગમનથી નવી મુંબઈમાં સર્જાયો ગુલાબી દરિયો…

ગુલાબી પાંખવાળા ફ્લેમિંગો પક્ષીઓ હજારોની સંખ્યામાં સ્થળાંતર કરીને નવી મુંબઈમાં આવી પહોંચ્યા છે અને ત્યાંની ખાડીઓમાં એમનો વસવાટ કર્યો છે. આને કારણે એ સ્થળે ગુલાબી દરિયો સર્જાયો હોય એવું રોજ દ્રશ્ય જોવા મળે છે. ફ્લેમિંગો પક્ષીઓ નિયમિત રીતે નવી મુંબઈ, મુંબઈના ખાડીવિસ્તારોમાં સ્થળાંતર કરતા હોય છે, પરંતુ હાલ કોરોના વાઈરસના ફેલાવાને કારણે લોકડાઉન લાગુ છે અને ઔદ્યોગિક-ધંધાકીય પ્રવૃત્તિઓ હોવાને કારણે પ્રદૂષણમાં અત્યંત ઘટાડો થયો છે તેથી આ માઈગ્રેટરી પક્ષીઓએ નવી મુંબઈની ખાડીઓમાં એમનો પડાવ નાખ્યો છે. આ વખતે તેઓ વધારે સંખ્યામાં આવી પહોંચ્યા છે. (તસવીરો અને વિડિયોઃ દીપક ધુરી)

ફ્લેમિંગો એવી પ્રજાતિના પક્ષીઓ છે જે બતક, હંસ, ગ્રેબ્સ, કબૂતર, સેંડગ્રોસથી સંબંધિત છે.

ફ્લેમિંગો પક્ષીઓને લાંબી, પાતળી ગરદન હોય છે અને એમના પગ લાંબા, પાતળા હોય છે. તેમનું માથું પ્રમાણમાં નાનું હોય છે, પરંતુ એમની ચાંચ મોટી હોય છે.

ફ્લેમિંગો પક્ષીઓ હંમેશા પાણીના સ્રોતોની આસપાસ જોવા મળે છે. તેઓ સારી રીતે તરી શકે છે.

એમનો ખોરાક હોય છે, પાણીમાંના જંતુઓ અને શેવાળ.

ફ્લેમિંગોના પીછાઓનો ગુલાબી, નારંગી અથવા લાલ રંગ તેમના ખોરાકમાં રહેતા કેરોટિનોઇડ રંજકદ્રવ્યોને કારણે થાય છે

ફ્લેમિંગો વિશ્વમાં કેરેબિયન અને દક્ષિણ અમેરિકાથી આફ્રિકા, મધ્ય પૂર્વ અને યુરોપમાં જોવા મળે છે.