કશ્મીરઃ જેલમ નદીમાં લક્ઝરી બસ-બોટનું પરીક્ષણ સફળ

શ્રીનગર શહેરમાં રસ્તાઓ પરની ગીચતા ઘટાડવા અને સદીઓ જૂના જળમાર્ગ પરિવહનને પુનર્જિવીત કરવા માટે કશ્મીરમાં જેલમ નદી પર સૌપ્રથમ વાર લક્ઝરી બસ-બોટ સેવા શરૂ કરવામાં આવનાર છે. એ માટેની અજમાયશ શરૂ કરવામાં આવી છે અને તે સફળ પણ રહી છે. ત્રણ બસ બોટને ન્યૂઝીલેન્ડમાંથી લાવવામાં આવી છે. પર્યટકોને આકર્ષિત કરવા માટે આ નિર્ણય લેવાયો છે.

આ આખો પ્રોજેક્ટ બે કરોડ રૂપિયાનો છે. એમાં બસ-બોટ ન્યૂઝીલેન્ડમાંથી આયાત કરાઈ છે, રેસ્ક્યૂઅર બોટ દુબઈમાંથી અને એક લક્ઝરી બોટ અમેરિકામાંથી આયાત કરાઈ છે.

પ્રવાસીઓને બોટમાં બેસાડવા અને ઉતારવા માટે જેલમ નદી પર છ ફ્લોટિંગ-ડોક્સ તૈયાર કરવામાં આવ્યા છે. આ ડોક્સ તાઈવાનમાંથી આયાત કરવામાં આવ્યા છે.

આ બસ-બોટમાં 35 પ્રવાસી અને પાંચ ક્રૂ-સભ્યોને બેસવાની ક્ષમતા છે. ક્રૂ સભ્યોમાં એક ડ્રાઈવર અને ચાર બચાવ કામદારોનો સમાવેશ થાય છે.

આ બસ-બોટ સંપૂર્ણપણે એરકન્ડિશન્ડ છે. તેની છત ડોમ આકારની – કાચની બનાવેલી છે જેથી પ્રવાસીઓ અંદર બેઠાં જ બહારનો સુંદર નજારો નિહાળી શકશે.

આ બસ-બોટ શ્રીનગરમાં લાલચોક થઈને શહેરની હદમાં આવેલા પાંથા ચોક (લાસજન ક્ષેત્ર) અને જેલમ નદી પર આવેલા જૂના શ્રીનગરના છતાબલ સુધી લોકોને પ્રવાસ કરાવશે.