GallerySports કોલકાતાનો અનોખો આર્જેન્ટિના-પ્રેમી… June 12, 2018 કોલકાતામાં એક ફૂટબોલ પ્રેમી અને આર્જેન્ટિના ટીમના ચાહક એવા ચા વેચનારા શિવશંકર પાત્રાએ પોતાના ઘરને બહારથી તેમજ અંદરથી આર્જેન્ટિના ટીમનાં ખેલાડીઓના ડ્રેસનાં બ્લુ અને સફેદ રંગથી રંગાવી દીધું છે. શિવશંકર પોતે પણ એ ટીમના ખેલાડીઓ જેવા જરસી, શર્ટ પહેરે છે. આ માણસ 1998ની સાલથી આર્જેન્ટિના ટીમને ફોલો કરે છે. એ દરેક ફૂટબોલ વર્લ્ડ કપ સ્પર્ધા વખતે એના મિત્રોની સહાયથી આર્જેન્ટિના ટીમની મેચોનું લાઈવ સ્ક્રીનિંગ પણ કરતો હોય છે. ફૂટબોલ વર્લ્ડ કપ આવતી 14 જૂનથી રશિયામાં શરૂ થવાની છે. આર્જેન્ટિના ટીમને ગ્રુપ-D માં સ્થાન આપવામાં આવ્યું છે. એની સાથે અન્ય ત્રણ ટીમ છે – ક્રોએશિયા, આઈસલેન્ડ અને નાઈજિરીયા. શિવશંકર નોર્થ 24 પરગણાના નવાબગંજ નગરમાં એક ટી-કમ-સ્નેક્સ સ્ટોલનો માલિક છે. ઈચ્છાપોર રેલવે સ્ટેશનેથી એનું મકાન શોધવામાં કોઈને પણ જરાય તકલીફ ન પડે. શિવશંકરને વર્લ્ડ કપમાં આર્જેન્ટિનાની મેચો જોવા માટે રશિયા જવું હતું. એણે 60 હજાર રૂપિયાની બચત કરી હતી, પણ ટ્રાવેલ એજન્ટે કહ્યું કે આ પૂરતા નથી. એટલે શિવશંકરે પોતાનું ત્રણ-માળવાળું ઘર આર્જેન્ટિનાનાં કલર્સથી રંગી દેવાનું નક્કી કર્યું. એ કહે છે, હું ધૂમ્રપાન નથી કરતો કે દારૂ પણ નથી પીતો. મને માત્ર લિયોનેલ મેસ્સી અને આર્જેન્ટિનાની ફૂટબોલ ગેમનું વ્યસન છે.