ભારતે વેસ્ટ ઈન્ડિઝ સામેની T20I શ્રેણી જીતી લીધી…

અમેરિકાના ફ્લોરિડા રાજ્યના લાઉડરહિલના સેન્ટ્રલ બ્રોવર્ડ રીજનલ પાર્ક સ્ટેડિયમમાં 4 ઓગસ્ટ, રવિવારે રમાઈ ગયેલી પણ વરસાદ-ખરાબ હવામાનને કારણે પડતી મૂકી દેવાયેલી બીજી ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચમાં ભારતે વેસ્ટ ઈન્ડિજને ડકવર્થ-લૂઈસ મેથડ અનુસાર નક્કી કરાયેલા પરિણામમાં 22-રનથી પરાજય આપ્યો હતો. 3-મેચોની સીરિઝ ભારતે 2-0થી કબજામાં કરી લીધી છે. ગઈ કાલે પહેલી મેચમાં ભારતે 4-વિકેટથી વિજય મેળવ્યો હતો. ત્રીજી અને સીરિઝની છેલ્લી મેચ 6 ઓગસ્ટે ગયાનામાં રમાશે. આજની મેચમાં ભારતના કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતી પહેલા બેટિંગ લીધી હતી અને 20 ઓવરમાં પાંચ વિકેટે 167 રન કર્યા હતા. તેના જવાબમાં વેસ્ટ ઈન્ડિઝનો સ્કોર જ્યારે 15.3 ઓવરમાં 4 વિકેટે 98 રન હતો ત્યારે વરસાદ તૂટી પડ્યો હતો. વીજળીના કડાકા-ભડાકા પણ થયા હતા અને અમ્પાયરોએ મેચને પડતી મૂકી દેવાનો નિર્ણય લીધો હતો. રોહિત શર્માએ 51 બોલમાં 67 રન કર્યા હતા, વેસ્ટ ઈન્ડિઝનો ટોપ સ્કોરર હતો રોવમેન પોવેલ (54). ડાબોડી સ્પિનર કૃણાલ પંડ્યાને મેન ઓફ ધ મેચ ઘોષિત કરવામાં આવ્યો હતો. એણે 3.3 ઓવરમાં 23 રન આપીને બે વિકેટ લીધી હતી.