ભારત કોટલા ટેસ્ટ અને સિરીઝ જીતને આરે…

દિલ્હીના ફિરોઝશાહ કોટલા મેદાન ખાતે રમાતી ત્રીજી અને સિરીઝની આખરી ટેસ્ટ મેચમાં 5 ડિસેમ્બર, મંગળવારે ભારતના બોલરો – રવિન્દ્ર જાડેજા (બે વિકેટ) અને મોહમ્મદ શમીએ શ્રીલંકાની બીજા દાવની ત્રણ વિકેટ પાડીને ભારતને જીતની સ્થિતિમાં લાવીને મૂકી દીધું છે. કેપ્ટન વિરાટ કોહલીએ ભારતનો બીજો દાવ પાંચ વિકેટે 246 રને ડિકલેર કર્યો હતો અને શ્રીલંકાને મેચ જીતવા 410 રનનો ટાર્ગેટ આપ્યો છે. ચોથા દિવસની રમતને અંતે શ્રીલંકાએ 3 વિકેટે 31 રન કર્યા હતા. શ્રીલંકાને જીત માટે હજી બીજા 379 રન કરવાની જરૂર છે જે તેને માટે બહુ મુશ્કેલ જણાય છે. ભારત બીજી ટેસ્ટ મેચ જીતીને સિરીઝમાં 1-0થી આગળ છે. ત્રીજી ટેસ્ટ જીતશે તો ભારત 2-0 સાથે સિરીઝવિજય હાંસલ કરશે. બીજા દાવમાં ભારતના શિખર ધવને 67, કેપ્ટન વિરાટ કોહલીએ 50, પૂજારાએ 49 અને રોહિત શર્માએ અણનમ 50 રન કર્યા હતા.