થોમસ કપ ચેમ્પિયન ખેલાડીઓ પર ઈનામનો વરસાદ

ભારતના પુરુષ બેડમિન્ટન ખેલાડીઓએ 15 મે, રવિવારે બેંગકોકમાં થોમસ કપ સ્પર્ધાની ફાઈનલ જીતીને ઈતિહાસ સર્જી દીધો. એમણે ઈન્ડોનેશિયાના હરીફોને 3-0થી પરાજય આપ્યો હતો. ઈન્ડોનેશિયા 14 વખત આ ટ્રોફી જીતી ચૂક્યું છે. ભારતે આ ટ્રોફી અને ગોલ્ડ મેડલ સ્પર્ધાના 73 વર્ષના ઈતિહાસમાં પહેલી જ વાર જીતી છે.

 

પહેલી સિંગલ્સ મેચમાં લક્ષ્ય સેને વિશ્વના નંબર-5 એન્થની સિનીસુકા ગિન્ટીંગને 8-21, 21-17, 21-16 સ્કોરથી હરાવ્યો હતો. ત્યારબાદ બીજી સિંગલ્સમાં કિદામ્બી શ્રીકાંતે એશિયન ગેમ્સ ગોલ્ડ મેડલવિજેતા જોનાતન ક્રિસ્ટીને 21-15, 23-21 સ્કોરથી હરાવ્યો હતો. ડબલ્સની મેચમાં, સાત્વિકસાઈરાજ રાન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીએ બીજી ગેમમાં ચાર મેચ પોઈન્ટ બચાવીને મોહમ્મદ એહસાન અને કેવીન સંજયા સુકામુલજોને 18-21, 23-21, 21-19 સ્કોરથી પરાજય આપ્યો હતો.

ક્લીન સ્વીપ વિજય હાંસલ કરનાર ભારતીય ખેલાડીઓને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ, ભૂતપૂર્વ ક્રિકેટ કેપ્ટન સુનીલ ગાવસકર, મહાનાયક અમિતાભ બચ્ચન, સહિત અનેક હસ્તીઓએ અભિનંદન આપ્યા છે. કેન્દ્રીય સ્પોર્ટ્સ મંત્રાલયે વિજેતા ખેલાડીઓને રૂ. એક કરોડનું રોકડ ઈનામ આપવાની જાહેરાત કરી છે. આસામ રાજ્ય સરકારે પણ વિજેતા ભારતીય ખેલાડીઓને રૂ. એક કરોડનું ઈનામ આપવાની જાહેરાત કરી છે.