ખાપ પંચાયતો, કુસ્તીબાજોનું કેન્દ્ર સરકારને અલ્ટીમેટમ

દિલ્હીમાં જંતરમંતર ખાતે બે અઠવાડિયાથી આંદોલન પર ઉતરેલાં કુસ્તીબાજો, હરિયાણા, રાજસ્થાન અને પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં સક્રિય અઢીસો જેટલી ખાપ પંચાયતોના પ્રતિનિધિઓ અને સેંકડો ખેડૂતોએ 7 મે, રવિવારે જંતરમંતર ખાતે બેઠક યોજી હતી અને ત્યારબાદ કેન્દ્ર સરકારને મહેતલ આપી કે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના વડા અને ભાજપના સંસદસભ્ય બ્રિજભૂષણ શરણસિંહ સામે તે 10-દિવસની અંદર પગલું ભરે. કુસ્તીબાજોએ આરોપ મૂક્યો છે કે બ્રિજભૂષણે એમની જાતીય સતામણી કરી છે. કુસ્તીબાજોના સમર્થનમાં ખાપ પંચાયતો તેમજ સંયુક્ત કિસાન મોરચાના આગેવાન રાકેશ ટિકૈત તથા અન્ય સેંકડો ખેડૂતો પણ ઉતર્યા છે. ખાપ પંચાયતના પ્રતિનિધિઓએ કહ્યું છે કે જો સરકાર 10-દિવસમાં પગલું નહીં ભરે તો આંદોલનને ઉગ્ર બનાવવામાં આવશે.