હેમા માલિનીએ ‘ગંગા’નું સ્વરૂપ ધારણ કરી પ્રસ્તુત કર્યો ઉત્તમ સ્ટેજ પરફોર્મન્સ

પીઢ બોલીવુડ અભિનેત્રી અને સંસદસભ્ય હેમા માલિનીએ 19 માર્ચ, રવિવારે મુંબઈમાં એનસીપીએ સ્થિત જમશેદ ભાભા થિયેટરમાં ક્લાસિક ડાન્સ બેલે – ‘ગંગા’ પ્રસ્તુત કર્યું હતું. તેમાં એમની સાથે સંદીપ સોપારકરે ભગવાન શિવનું પાત્ર ભજવ્યું હતું. આ નૃત્ય-નાટિકાના માધ્યમથી હેમા માલિનીએ જળનું મહત્ત્વ સમજાવવાનો પ્રયાસ કર્યો હતો અને દેશભરમાં નદીઓનો પુનર્વિકાસ કરવો જરૂરી છે એવો સંદેશ પણ આપ્યો હતો. ભારત સરકારના ઉપક્રમે ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ કાર્યક્રમના ભાગરૂપે મહારાષ્ટ્ર સરકારના સાંસ્કૃતિક વિભાગ દ્વારા આ નૃત્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

એ પ્રસંગે મહારાષ્ટ્રના રાજ્યપાલ રમેશ બૈસ, મહારાષ્ટ્રના સાંસ્કૃતિક પ્રધાન સુધીર મુનગંટીવાર તથા અન્ય રાજકીય મહાનુભાવો, કોકિલાબેન અંબાણી, રાજશ્રી બિરલા, નીરજા બિરલા, તેમજ શત્રુઘ્ન સિન્હા, સુભાષ ઘઈ, રમેશ સિપ્પી, સંજય ખાન, એશા દેઓલ-તખ્તાની, જેકી શ્રોફ, આશુતોષ ગોવારીકર, પદ્મિની કોલ્હાપુરે, અદિતી ગોવિત્રીકર, મિકા સિંહ, સુરેશ વાડકર જેવી ફિલ્મી હસ્તીઓ ઉપસ્થિત રહી હતી.