ગાંધીનગર- ગુજરાત જાહેર સેવા આયોગ-GPSC દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષામાં પસંદગી પામી સ્પીપામાં તાલીમ લઇ રહેલા 39 નાયબ કલેકટર કક્ષાના પ્રોબેશનરી યુવા અધિકારીઓને સ્વહિતને સ્થાને પરહિતની ભાવનાથી ભાવિ કારકિર્દી ઘડવાની શીખ આપી હતી. રાજ્ય સરકારની સેવામાં નાયબ કલેકટર તરીકે પ્રોબેશનરી પીરીયડમાં તાલીમ લઇ રહેલા 12 યુવતીઓ સહિત 39 યુવાઓ સરદાર પટેલ લોકપ્રશાસન સંસ્થા સ્પીપામાં પ્રથમ તબક્કાની તાલીમ લઇ રહ્યા છે. તેઓ મુખ્યપ્રધાનની શુભેચ્છા-આશીર્વાદ મુલાકાત માટે આવ્યાં હતાં.તેઓ સાથેની વાતચીતમાં સીએમે જણાવ્યું કે મહેસૂલી સેવામાં આ નાયબ કલેકટરોની પાયાની ભૂમિકા રહેવાની છે ત્યારે તમારા કતૃત્વ અને કર્તવ્ય દ્વારા જનમાનસમાં સરકારની ઇમેજ બને છે તે ભાવ હૈયે રાખશો.પદ-પ્રતિષ્ઠા-કેરિયરની અપેક્ષા સૌને હોય પરંતુ એ સાથે માનવીય સંવેદનાથી સરકારી સિસ્ટમ પ્રત્યે ગરીબ-વંચિત, પીડિત સહિત હરેકનો વિશ્વાસ ભરોસો વધે તેવું કાર્યદાયિત્વ જ સદાકાળ સ્મરણીય અને સ્વાન્ત: સુખાય રહે છે.ચાર્ટર્ડ એકાઉન્ટન્સી, આઇ.ટી, સીવીલ, પેટ્રોલિયમ અને કોમ્પ્યુટર ઇજનેરી, તબીબી અને પત્રકારિતા સહિતના ક્ષેત્રોમાં ઉચ્ચ અભ્યાસ પદવી ધરાવતી આ યુવાશકિતની ઉત્કૃષ્ટ સેવાઓ રાજ્ય સરકારમાં આવનારા દિવસોમાં મળશે તેનો આનંદ વ્યકત કર્યો હતો.