GalleryEvents મેજર કૌસ્તુભ રાણેને લશ્કરી માનપૂર્વક અંતિમ વિદાય August 9, 2018 જમ્મુ અને કશ્મીરના બાંદીપુરા જિલ્લામાં અંકુશ રેખા નજીક ગયા મંગળવારે થયેલા એન્કાઉન્ટરમાં ત્રાસવાદીઓની ગોળી વાગતા શહીદ થયેલા મેજર કૌસ્તુભ રાણેના 9 ઓગસ્ટ, ગુરુવારે મુંબઈ નજીક એમના નિવાસસ્થાન ઉપનગર મીરા રોડ ખાતેના સ્મશાનભૂમિ ખાતે સંપૂર્ણ લશ્કરી તથા રાજકીય સમ્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. એમની અંતિમ યાત્રામાં હજારો લોકો જોડાયા હતા. ભારે શોકાતુર વાતાવરણમાં મેજર કૌસ્તુભના પાર્થિવ શરીરને એમના પિતા પ્રકાશ રાણેએ અગ્નિદાહ આપ્યો હતો. એ વખતે મેજર કૌસ્તુભ રાણે અમર રહે, ભારત માતા કી જય, વંદે માતરમના નારાથી વાતાવરણ ગૂંજી ઉઠ્યું હતું. સદ્દગત મેજરના પરિવારમાં એમના માતા, પિતા, પત્ની કનિકા અને 3 વર્ષનો પુત્ર અગસ્ત્ય છે. મેજર કૌસ્તુભ એમના માતા-પિતાનાં એકમાત્ર પુત્ર હતા. લશ્કરમાં જોડાવાની કૌસ્તુભની નાનપણથી ઈચ્છા હતી એટલે માતાપિતાએ એમને પુણેમાં લશ્કરી તાલીમ અપાવીને લશ્કરમાં સામેલ કરાવ્યા હતા. મેજર કૌસ્તુભને આ જ વર્ષે પ્રજાસત્તાક દિવસે રાષ્ટ્રપતિ કોવિંદના હસ્તે સેના ગેલન્ટ્રી મેડલથી સમ્માનિત કરવામાં આવ્યા હતા.