સબમરીન ‘કરંજ’ ભારતીય નૌકાદળમાં સામેલ…

ભારતીય નૌકાદળની તાકાત વધી ગઈ છે, કારણ કે સબમરીન INS ‘કરંજ’ને 10 માર્ચ, બુધવારે નૌકાદળના જંગી કાફલામાં સામેલ થઈ ગઈ છે. આ માટેનો સમારંભ મુંબઈમાં નેવલ ડોક્યાર્ડ ખાતે યોજવામાં આવ્યો હતો. તક્તીનું અનાવરણ નૌકાદળના ભૂતપૂર્વ વડા એડમિરલ વી.એસ. શેખાવતના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભારતીય નૌકાદળના વડા એડમિરલ કરમબીરસિંહ તથા અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

દુશ્મનોના હોશ ઉડાવી દે એવી આ સબમરીનની ખાસિયત એ છે કે તે દુશ્મનના વિસ્તારમાં હશે તો પણ એના રડારની પકડમાં આવી નહીં શકે. જરાસરખો પણ અવાજ કર્યા વિના તે દુશ્મનોને બરબાદ કરવાની ક્ષમતા ધરાવે છે.

આ સબમરીન સ્કોર્પીન શ્રેણીની ત્રીજી છે અને તે ભારત સરકારની ‘આત્મનિર્ભર ભારત‘ ઝુંબેશ અંતર્ગત સંપૂર્ણપણે સ્વદેશી ટેક્નોલોજીથી બનાવવામાં આવી છે.