ઈશાન ખૂણાના ચોમાસાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતાં તામિલનાડુના પાટનગર ચેન્નાઈ શહેર સહિત સાત જિલ્લાઓમાં 2 નવેમ્બર, બુધવારે ભારે વરસાદ પડ્યો હતો. ચેન્નાઈમાં અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. રાજ્ય સરકારે ચેન્નાઈ ઉપરાંત કાંચીપુરમ, ચેંગાલપટ્ટુ, તિરુવાલુર, રાનીપેટ, વિલ્લુપુરમ અને વેલ્લોર જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ ઘોષિત કરી શાળા-કોલેજોમાં રજા જાહેર કરી છે.
ચેન્નાઈમાં વરસાદી ઘટનાઓને કારણે 47 વર્ષની એક મહિલા અને 52 વર્ષના એક પુરુષનું મરણ નિપજ્યું છે. શાંતિ નામની મહિલા પર એનાં જ ઘરની બાલ્કની પડતાં તેનું મૃત્યુ થયું હતું જ્યારે દેવેન્દ્રન નામનો ઓટોરિક્ષા ડ્રાઈવર એક જળબંબાકાર વિસ્તારમાં ફસાઈ ગયો હતો ત્યારે એને વીજળીનો કરંટ લાગતાં તેનું મરણ થયું હતું.
હવામાન વિભાગે આગાહી કરી છે કે તામિલનાડુમાં પાંચ નવેમ્બર સુધી ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે.