મોરબીની મચ્છુ નદી પર ઝુલતો પૂલ તૂટી પડતાં મોતનું માતમ

ગુજરાતના જિલ્લા-શહેર મોરબીમાં 30 ઓક્ટોબર, રવિવારની સાંજે મચ્છુ નદી પર બાંધવામાં આવેલો ઝુલતો પૂલ તૂટી પડવાની કરૂણાંતિક સર્જાઈ હતી. દુર્ઘટનામાં 140 જેટલા લોકો માર્યા ગયા હોવાનો બિનસત્તાવાર આંક છે. મૃતકોમાં અનેક મહિલાઓ અને બાળકો સમાવેશ થાય છે. રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ પ્રધાન હર્ષ સંઘવી આ દુર્ઘટનાની જાણ થતાં ગઈ કાલે રાતે જ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તેઓ ઈજાગ્રસ્તોને મળવા એક સરકારી હોસ્પિટલમાં ગયા હતા અને એમના ખબરઅંતર પૂછ્યા હતા.

ભૂપેન્દ્ર પટેલે દુર્ઘટનાના કારણની તપાસ કરવા માટે પાંચ સભ્યોની એક ઉચ્ચ-સ્તરીય સમિતિની રચના કરી છે. આ પૂલનું હજી ગયા બેસતા વર્ષના દિવસે જ ઉદઘાટન કરવામાં આવ્યું હતું. રવિવારે રજાનો દિવસ હોઈ મોટી સંખ્યામાં લોકો પૂલ પર જમા થયા હતા. વજન વધી જતાં પૂલ તૂટી પડ્યો હતો. એને કારણે 500 જેટલા લોકો નદીમાં પડી ગયા હતા. કેટલાક લોકો તરીને કાંઠે પહોંચી ગયા હતા. બચાવ કામગીરી તરત જ શરૂ કરી દેવામાં આવી હતી. ભારતીય સેના અને એનડીઆરએફના જવાનોએ આખી રાત બચાવ કામગીરી સંભાળી હતી.

આ પૂલ સાત મહિનાથી બંધ રખાયો હતો, પણ સમારકામ કરી દેવાયા બાદ ફરી ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.

આ પૂલ પર લોકોને પૈસા આપીને જવા દેવામાં આવતા હતા. પુખ્ત વયની વ્યક્તિ માટે રૂ.17 અને 12 વર્ષથી નીચેની વયનાંઓ માટે રૂ.12ના મૂલ્યની ટિકિટ રાખવામાં આવી હતી.

આ પૂલનું હજી ગયા બેસતા વર્ષના દિવસે જ ઉદઘાટન કરવામાં આવ્યું હતું. રવિવારે રજાનો દિવસ હોઈ મોટી સંખ્યામાં લોકો પૂલ પર જમા થયા હતા. વજન વધી જતાં પૂલ તૂટી પડ્યો હતો. એને કારણે 500 જેટલા લોકો નદીમાં પડી ગયા હતા. કેટલાક લોકો તરીને કાંઠે પહોંચી ગયા હતા. બચાવ કામગીરી તરત જ શરૂ કરી દેવામાં આવી હતી. ભારતીય સેના અને એનડીઆરએફના જવાનોએ આખી રાત બચાવ કામગીરી સંભાળી હતી.

આ પૂલ દુર્ઘટનાએ 1979માં મચ્છુ નદી પરનો બંધ તૂટી પડવાથી મોરબી શહેરમાં આવેલા ભયાનક પૂરની કડવી યાદ ફરી તાજી કરી દીધી છે.