ભારતીય હવાઈ દળના હેલિકોપ્ટર ‘અપાચે’માં 17 એપ્રિલ, શુક્રવારે કોઈક ટેકનિકલ ખામી ઊભી થતાં પંજાબના હોશિયારપુર જિલ્લાના બધવાર ગામના એક ખેતરમાં એનું તાકીદનું ઉતરાણ કરવું પડ્યું હતું. સદ્દભાગ્યે એમાંના બંને પાઈલટ સુરક્ષિત છે. એટેક હેલિકોપ્ટર ‘અપાચે’ને અમેરિકામાંથી પ્રાપ્ત કરવામાં આવ્યું છે અને ગયા જ વર્ષે એને પઠાણકોટ એરબેઝમાં સામેલ કરવામાં આવ્યું હતું. ફ્લાઈટ લેફ્ટેનન્ટ અનુપ અને ફ્લાઈટ લેફ્ટેનન્ટ રજતે આજે સવારે પઠાણકોટ એરબેઝ ખાતેથી આ હેલિકોપ્ટરનું ઉડ્ડયન કર્યું હતું, પણ એમાં કોઈક ટેકનિકલ ખામી ઊભી થતાં પાઈલટો એને ખેતરમાં સુરક્ષિત રીતે ઉતારવામાં સફળ થયા હતા. હેલિકોપ્ટરનું ઉતરાણ થયાના સમાચાર વહેતા થતાં આસપાસમાંથી ગામવાસીઓ ત્યાં દોડતા પહોંચી ગયા હતા.
