મેઘતાંડવઃ મુંબઈ નગરી ફરી જળબંબાકાર…

મુંબઈમાં મંગળવાર, 22 સપ્ટેમ્બરની મોડી સાંજથી શરૂ થયેલો અનરાધાર વરસાદ 23 સપ્ટેમ્બર, બુધવારે સાંજે પણ ચાલુ હતો. શહેરના જૂના વિસ્તારો (દક્ષિણ) તથા ઉપનગરોમાં અનેક વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાયા છે. વાહન વ્યવહારને અસર પહોંચી છે તો રેલવેના પાટાઓ પર પાણી ભરાતાં પશ્ચિમ અને મધ્ય, બંને વિભાગ પર ટ્રેન સેવા સ્થગિત કરી દેવી પડી છે. મુંબઈ મહાનગરપાલિકાએ નાગરિકોને અગાઉથી જ અપીલ કરી હતી કે હવામાન વિભાગે મુંબઈ શહેર, તથા પડોશના થાણે, પાલઘર, નવી મુંબઈ, રાયગડમાં અતિ ભારે વરસાદ સાથે યલો એલર્ટ ઘોષિત કર્યું હોવાથી લોકોએ ખાસ કામ ન હોય તો ઘરની બહાર નીકળવું નહીં.

મુંબઈમાં સપ્ટેમ્બર મહિનામાં કોઈ એક જ દિવસમાં આટલો બધો વરસાદ પડ્યો હોય એવું છેલ્લા 39 વર્ષોમાં અમુક જ વાર બન્યું છે.

મંગળવારે સવારે 8.30 વાગ્યાથી લઈને બુધવારે સવારે 8.30 વાગ્યા સુધીના 24 કલાકમાં કુલ 286.4 મિ.મી. વરસાદ પડ્યો હતો. વર્તમાન મોસમમાં ઉપનગરોમાં આ સૌથી વધારે વરસાદ પડ્યો છે

1974થી 2020 સુધીના વર્ષો દરમિયાન સપ્ટેમ્બરમાં 24-કલાકની દ્રષ્ટિએ આ ચોથા નંબરનો સૌથી વધુ વરસાદ થયો છે.

2016ની 20 સપ્ટેમ્બરે મુંબઈમાં એક જ દિવસમાં 303.7 મિ.મી. વરસાદ પડ્યો હતો. તે પહેલાં, 1993ની 23 સપ્ટેમ્બરે 312.4 મિ.મી. વરસાદ પડ્યો હતો અને 1981ની 23 સપ્ટેમ્બરે 318.2 મિ.મી. વરસાદ પડ્યો હતો, જે અત્યાર સુધીનો વિક્રમ છે. આ તસવીર મધ્ય રેલવેના ચુનાભટ્ટી સ્ટેશનની છે.

મુંબઈમાં સમગ્ર મોસમમાં કોઈ એક જ દિવસમાં સૌથી વધારે વરસાદનો ઓલટાઈમ રેકોર્ડ છે 2005ની સાલની 26 જુલાઈનો, જ્યારે 24 કલાકમાં 39 ઈંચ વરસાદ પડ્યો હતો. આખું શહેર પૂરગ્રસ્ત બન્યું હતું.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]