અલવિદા ૨૦૧૯: યાદગાર ઘટનાઓ; જે ઈતિહાસમાં પહેલી જ વાર બની…

કશ્મીરમાંથી ૩૭૦મી કલમ દૂર થઈ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્ત્વ હેઠળ ભારતીય જનતા પાર્ટીની સરકારે જમ્મુ અને કશ્મીર રાજ્યમાં બંધારણની વિવાદાસ્પદ ૩૭૦મી કલમને ઓગસ્ટ મહિનામાં દૂર કરી. ત્યારબાદ ઓક્ટોબરમાં, સરકારે જમ્મુ અને કશ્મીરનો રાજ્યનો દરજ્જો દૂર કરી એને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવ્યો. એની સાથે જ લડાખને પણ અન્ય કેન્દ્રશાસિત પ્રદેશનો દરજ્જો આપ્યો. સરકારે સંસદમાં ખરડો પાસ કરીને દમણ અને દીવ તથા દાદરા અને નગરહવેલી, એમ બે અલગ અલગ કેન્દ્રશાસિત પ્રદેશોને એક જ કેન્દ્રશાસિત પ્રદેશમાં વિલીન કર્યા.


ટ્રમ્પ ગયા ઉત્તર કોરિયા

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઉત્તર કોરિયાના પ્રવાસે ગયા હતા અને ત્યાંના શાસક કિમ જોંગ ઉન સાથે ઐતિહાસિક દ્વિપક્ષી શિખર મંત્રણા કરી હતી. ઉત્તર કોરિયાની ધરતી પર પગ મૂકનાર ટ્રમ્પ પહેલા જ અમેરિકી પ્રમુખ છે.


ટ્રિપલ તલાકનો અંત

ભારતમાં મુસ્લિમ સમાજમાં પતિઓને સુવિધા આપતી ટ્રિપલ તલાક પ્રથાને નરેન્દ્ર મોદી સરકારે જુલાઈ મહિનામાં સમાપ્ત કરી. હવેથી ભારતમાં કોઈ મુસ્લિમ પતિ એની પત્નીને ત્રણ વાર ‘તલાક’ શબ્દ બોલીને છૂટાછેડા આપી નહીં શકે, જો આપશે તો જેલમાં જશે. કાયદો લાગુ થતાં મુસ્લિમ સમાજની મહિલાઓમાં આનંદ અને રાહતની લાગણી છવાઈ.


K2-18b ગ્રહ પર પાણી મળ્યું…

ખગોળવિજ્ઞાનીઓને સૂર્યમંડળની બહારના એક ગ્રહ પર પાણી હોવાનો પુરાવો હાથ લાગ્યો છે. આ ગ્રહને એમણે નામ આપ્યું છે, K2-18b, એ પૃથ્વી કરતાં 8 ગણો મોટો છે. 3 સ્પેસ ટેલિસ્કોપથી સંશોધન કરતાં એમને ત્યાંના વાતાવરણમાં વરાળ હોવાનું ધ્યાનમાં આવ્યું છે, તેથી એવી આશા જાગી છે કે પૃથ્વીની જેમ ત્યાં પણ જીવનની સંભાવના પેદા થઈ શકે છે. આ ગ્રહ પૃથ્વીથી 124 પ્રકાશવર્ષ દૂર છે.


ગીતા ગોપીનાથ

ભારતના મૈસુરમાં જન્મેલાં ઈન્ડિયન-અમેરિકન ગીતા ગોપીનાથને ઓક્ટોબર મહિનામાં ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)નાં મુખ્ય અર્થશાસ્ત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યાં.


ઈંગ્લેન્ડ બન્યું વર્લ્ડ કપ વિજેતા

ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમે જુલાઈ મહિનામાં આઈસીસી ODI વર્લ્ડ કપ સ્પર્ધા જીતી. ફાઈનલ મેચ સુપર ઓવર સુધી ખેંચાઈ હતી. તે ઓવર પણ ટાઈ થઈ હતી, આખરે બંને ટીમે ફટકારેલી કુલ બાઉન્ડરીઓની સંખ્યા ગણીને તેને આધારે ઈંગ્લેન્ડે ન્યૂઝીલેન્ડને પરાજય આપ્યો હતો.


પી.વી. સિંધુ બની વર્લ્ડ ચેમ્પિયન

ઓગસ્ટ મહિનામાં સ્વિટ્ઝરલેન્ડમાં રમાયેલી વિશ્વ બેડમિન્ટન સ્પર્ધામાં પી.વી. સિંધુએ સિંગલ્સનું વિજેતાપદ હાંસલ કર્યું. આ સિદ્ધિ મેળવનાર તે પહેલી જ ભારતીય બની. ફાઈનલ મેચમાં એણે જાપાનની નોઝોમી ઓકુહારાને 21-7, 21-7થી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો.


ફિનલેન્ડનાં PM સન્ના મારીનનો વિક્રમ

34 વર્ષનાં સન્ના મારીન ડિસેંબરમાં ફિનલેન્ડનાં વડાં પ્રધાન બન્યાં. વિશ્વમાં સૌથી યુવાન વયનાં વડાં પ્રધાન બનવાનો સોશિયલ ડેમોક્રેટિક પાર્ટીનાં સન્ના મારીને નવો વિક્રમ નોંધાવ્યો. એમણે યુક્રેનના ઓલેક્સી હોન્ચારુકનો વિક્રમ તોડ્યો, જેઓ વડા પ્રધાન બન્યા હતા ત્યારે 35 વર્ષના હતા.


હોંગકોંગમાં અસંતોષ

જૂન મહિનામાં હોંગ કોંગમાં ચીનની સરકાર વિરુદ્ધ લોકોના અભૂતપૂર્વ વિરોધ-દેખાવોનો આરંભ થયો. એ દેખાવો હિંસક બન્યા. આ વિરોધ એક ખરડા સામેનો હતો, જે અંતર્ગત કોઈ પણ પ્રકારના ક્રિમિનલ કેસમાં સંડોવાયેલા આરોપીને મુકદ્દમા માટે હોંગકોંગમાંથી ચીનને સુપરત કરી દેવાની જોગવાઈ છે.


ઉદ્ધવ ઠાકરે બન્યા મુખ્ય પ્રધાન

નવેંબર મહિનામાં મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી બાદ જબરદસ્ત સત્તાપલ્ટો થયો. ભારતીય જનતા પાર્ટી અને શિવસેના વચ્ચેની 30 વર્ષ જૂની દોસ્તી તૂટી, ભાજપે સત્તા ગુમાવી અને શિવસેનાએ કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી સાથે હાથ મિલાવીને સત્તા હાંસલ કરી. ઠાકરે પરિવારમાંથી પહેલી જ વાર ચૂંટણી લડનાર સભ્ય બન્યા આદિત્ય ઠાકરે. તો આ જ પરિવારના ઉદ્ધવ ઠાકરે બન્યા મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન. મુંબઈગરા રાજ્યના મુખ્ય પ્રધાન બન્યા એવો મુંબઈના ઈતિહાસમાં આ પહેલો જ પ્રસંગ છે.


ભારત રમ્યું પહેલી ડે-નાઈટ ટેસ્ટ મેચ

નવેંબરમાં ભારત પહેલી જ વાર ગુલાબી બોલથી ડે-નાઈટ ક્રિકેટ ટેસ્ટ મેચ રમ્યું. આ મેચ કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં રમાઈ હતી, જેમાં ભારતે બાંગ્લાદેશને એક દાવ અને 46 રનથી પરાજય આપ્યો હતો.


શિવાંગીની સિદ્ધિ

ભારતીય નૌકાદળનાં સબ-લેફ્ટેનન્ટ શિવાંગી ડિસેંબરમાં નૌકાદળનાં પ્રથમ મહિલા પાઈલટ બન્યાં. બિહારમાં જન્મેલાં શિવાંગી ભારતીય નૌકાદળ માટે દરિયાઈ નિરીક્ષણ, સર્ચ અને બચાવ કામગીરીઓ વખતે ડોર્નિયર સર્વેલન્સ વિમાન ઉડાવશે.