સેનાનાં જવાનોએ દર્દીઓને ઉગાર્યાં

સીમા સુરક્ષા દળ (બોર્ડર સિક્યૂરિટી ફોર્સ)ના જવાનોએ 9 જાન્યુઆરી, રવિવારે જમ્મુ અને કશ્મીરના કુપવાડા જિલ્લામાં સખત હિમવર્ષાને કારણે બરફથી છવાઈ ગયેલા તંગધાર સેક્ટરમાંથી ત્રણ નાગરિક દર્દીને એરલિફ્ટ કર્યા હતા અને તબીબી સારવાર માટે જિલ્લા વડામથક ખાતે પહોંચાડ્યા હતા. દર્દીઓનાં નામ છેઃ નસરીન ફાતિમા (50), સોબિયા બેગમ (30) અને રિઝવાન એહમદ (10). અત્રે એક માત્ર રસ્તા પર બરફ છવાતાં તે બંધ થઈ ગયો છે. વિસ્તાર અમુક દિવસોથી વિખુટો પડી ગયો છે.

જમ્મુ-કશ્મીરના ઉરી સેક્ટરમાં નિયંત્રણ રેખા પરના ઘાગર ગામમાં એક ગર્ભવતી મહિલાને બચાવવાનો કોલ મળ્યા બાદ લશ્કરના જવાનો તરત ત્યાં પહોંચી ગયા હતા અને મહિલાને સ્ટ્રેચર પર સુવડાવી, સ્ટ્રેચરને ખભે ઉંચકીને, ઘૂંટણસમા પગ ખૂંપી જાય એટલા બરફથી છવાયેલા રસ્તાઓ પર 6.5 કિલોમીટર દૂરના અંતરે આવેલા પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્ર ખાતે પહોંચાડી હતી. બાદમાં તે મહિલાએ સ્વાસ્થ્ય કેન્દ્રમાં પુત્રને જન્મ આપ્યો હતો. સૈનિકોની આ બહાદુરી અને માનવતાના કાર્યની સ્થાનિક લોકો વાહ-વાહ કરી રહ્યાં છે.

(તસવીર સૌજન્યઃ @adgpi)