GalleryEvents કોવિશીલ્ડ રસી પુણેથી અમદાવાદ સહિત દેશભરમાં મોકલાઈ January 12, 2021 કેન્દ્ર સરકારે જેને ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી છે તે ‘કોવિશીલ્ડ’ રસીના ડોઝના 34 બોક્સ સાથેના પ્રથમ કન્સાઈનમેન્ટને 12 જાન્યુઆરી, મંગળવારે પુણેમાં સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાની ફેક્ટરીમાંથી પુણે એરપોર્ટ ખાતે મોકલવામાં આવ્યું હતું. આ રસીના બોક્સ અમદાવાદ, દિલ્હી ઉપરાંત ચેન્નાઈ, કોલકાતા, ગુવાહાટી, શિલોંગ, હૈદરાબાદ, વિજયવાડા, ભૂવનેશ્વર, પટના, બેંગલુરુ, લખનઉ અને ચંડીગઢ માટે રવાના કરવામાં આવ્યા હતા. આ 34 બોક્સમાં 1,088 કિલોગ્રામ રસી હતી. આમાંથી 56.5 લાખ ડોઝ આપી શકાશે. કેન્દ્ર સરકારે સીરમ પાસેથી 1 કરોડ 10 લાખ ડોઝ ખરીદવાનો ઓર્ડર આપ્યો છે. દરેક વ્યક્તિએ રસીના બે ડોઝ લેવાના રહેશે. સીરમ ઈન્સ્ટિટ્યૂટ દુનિયામાં સૌથી મોટી રસી-ઉત્પાદક ફાર્માસ્યુટિકલ કંપની છે. હવે આ રસીને 16 જાન્યુઆરીથી દેશમાં તબક્કાવાર રસીકરણ ઝુંબેશ અનુસાર ઉપયોગમાં લેવામાં આવશે. કોવિશીલ્ડ રસીના બોક્સ અમદાવાદમાં સિવિલ હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા બાદ ગુજરાતના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ તેની પર પૂજાવિધિ કરી રહ્યા છે. અમદાવાદ એરપોર્ટ પર એક મહિલા કોવિશીલ્ડ રસી ધરાવતા બોક્સ પર હિન્દુ પરંપરા અનુસાર શુભ શરૂઆત તરીકે ચાંદલો કરે છે. હૈદરાબાદમાં કોવિશીલ્ડ રસીના બોક્સ આવી પહોંચ્યા બાદ આરોગ્યકર્મીઓ નાળિયેર ફોડી પરંપરાગત પૂજા કરે છે. પુણેમાં, કોવિશીલ્ડ રસી ભરેલા બોક્સ સાથેનું વાહન સીરમ કંપનીની ફેક્ટરીમાંથી રવાના થાય છે અમદાવાદ એરપોર્ટ ખાતેથી કોવિશીલ્ડના બોક્સ શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા અને ત્યાંના કોલ્ડ સ્ટોરેજમાં મૂકવામાં આવ્યા છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજની અંદર એક આરોગ્યકર્મી કોવિશીલ્ડ રસી ભરેલી શીશી બતાવે છે.