કોફી ટેબલ બુકનું અમિતાભ દ્વારા વિમોચન…

બોલીવૂડ મહાનાયક અમિતાભ બચ્ચને 28 ફેબ્રુઆરી, બુધવારે મુંબઈમાં જુહૂ વિસ્તારસ્થિત એમના નિવાસસ્થાને કોફી ટેબલ બુક ‘ગીતોં કે દરવેશઃ ગોપાલ દાસ નીરજ’નું વિમોચન કર્યું હતું. 94 વર્ષીય કવિ નીરજે પુસ્તકનું વિમોચન કરવા બદલ અમિતાભ બચ્ચનનો ટેલિફોન કરીને આભાર માન્યો હતો. આ પુસ્તકમાં મહાકવિ, ‘પદ્મભૂષણ’ ડો. ગોપાલ દાસ નીરજે 78 વર્ષ દરમિયાન લખેલા ગીતો અને કવિતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. હિન્દી ફિલ્મોમાં કવિ નીરજે લખેલા અનેક યાદગાર ગીતોમાંના અમુક આ છેઃ વો તુમ ન થી વો તુમ ન થી, શોખિયોં મેં ઘોલા જાયે ફૂલોં કા શબાબ, આજ મદહોશ હુઆ જાયે રે, લિખે જો ખત તુઝે, ઐ ભાઈ જરા દેખ કે ચલો, જીવન કી બગીયા મહેકેગી, મેઘા છાયે આધી રાત, ખિલતે હૈં ફૂલ યહાં ખિલ કે બિખરને કો, જૈસે રાધાને માલા જપી શ્યામ કી, રંગીલા રે તેરે રંગ સે, કહતા હૈ જોકર સારા જમાના વગેરે. કવિ નીરજ હિન્દી જગતના જાણીતા સાહિત્યકાર છે. અમિતાભના પિતા સ્વ. હરિવંશરાય બચ્ચન જ્યારે કવિ સંમેલનોનું આયોજન કરતા હતા ત્યારે કવિ નીરજ ખાસ ઉપસ્થિત રહેતા.