‘ઠાકરે’ ફિલ્મનું ટીઝર મુંબઈમાં રિલીઝ કરાયું

મહારાષ્ટ્રમાં શિવસેના પાર્ટીના સ્થાપક અને દંતકથાસમા નેતા સ્વ. બાળાસાહેબ (બાલ) ઠાકરેના જીવન પર આધારિત મરાઠી અને હિન્દીમાં રજૂ થનારી ફીચર ફિલ્મ ‘ઠાકરે’નું ટીઝર અથવા ફર્સ્ટ લૂક 21 ડિસેમ્બર, ગુરુવારે મુંબઈમાં રિલીઝ કરવામાં આવ્યું હતું. એ પ્રસંગે બાલ ઠાકરેના મોટા પુત્ર અને શિવસેનાનાં વર્તમાન પ્રમુખ ઉદ્ધવ ઠાકરે, ઉદ્ધવના પત્ની રશ્મી ઠાકરે, દંપતીના પુત્ર અને યુવા સેનાના વડા આદિત્ય ઠાકરે, બોલીવૂડ મહાનાયક અમિતાભ બચ્ચન, શિવસેનાનાં રાજ્યસભાના સદસ્ય સંજય રાઉત સહિત અનેક નામાંકિતો તથા શિવસેના પાર્ટીના અગ્રગણ્ય નેતાઓ ઉપસ્થિત રહ્યાં હતાં. બાલ ઠાકરેના રોલ માટે જાણીતા બોલીવૂડ કલાકાર નવાઝુદ્દીન સિદ્દિકીને પસંદ કરવામાં આવ્યા છે. ફિલ્મનું દિગ્દર્શન અભિજીત પાનસે કરવાના છે. ફિલ્મની પટકથા સંજય રાઉતે લખી છે. ફિલ્મ 2019ની 23 જાન્યુઆરીએ રિલીઝ કરવાનું નિર્ધારવામાં આવ્યું છે. ફિલ્મ મરાઠી અને હિન્દીમાં બનાવવામાં આવશે અને અંગ્રેજી તથા બીજી અનેક ભાષાઓમાં ડબ કરવામાં આવશે. (તસવીરોઃ દીપક ધુરી)