કોલકાતાની આરજી કાર હોસ્પિટલમાં મહિલા ડૉક્ટર સાથે કરવામાં આવેલી નિર્દયતા સામે દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે. આ ઘટના બાદ ફરી એક વખત મહિલાઓની સુરક્ષાને લઈને સવાલો ઉભા થઈ રહ્યાં છે. હોસ્પિટલમાં એક જુનિયર મહિલા ડોક્ટર સાથે થયેલી નિર્દયતાની ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે. આ કેસમાં પોલીસની કાર્યવાહી ઉપર પણ પ્રશ્નો ઉઠી રહ્યાં છે ત્યારે ચિત્રલેખા.કોમએ દીવાદંડી વિભાગમાં આ પ્રકારના કેસમાં કેવાં પ્રકારની કાર્યવાહી થવી જોઈએ, કેવાં પ્રકારના પુરાવાઓ ભેગા કરવામાં આવતા હોય છે તેવાં અનેક મુદ્દાઓ પર ગુજરાતના સૌથી સિનિયર અને પ્રથમ મહિલા પોલીસ સર્જન હસુમતીબહેન પટેલ સાથે વાત કરી.
હસુમતીબહેન પટેલ: હું પોતે પણ હોસ્પિટલમાં નાઈટ ડ્યૂટી કરતી હતી, પોસ્ટમોર્ટમ કરતી હતી. ઘણીવાર દારૂ પીધેલા ગુંડાઓ પણ હોસ્પિટલમાં આવતા હતા. જ્યારે એક મહિલા તરીકે કોઈ તમારી સામે ઉંચા અવાજે બોલે તો તમે સામે બે ઘાંટા પાડીને વધુ ઉંચા અવાજે બોલો તો સામેવાળો પુરૂષ ઢીલો પડી જાય છે. આ મારો અનુભવ રહ્યો છે. એક સ્ત્રી કર્મચારી તરીકે તમે જો ઢીલા પડો તો સામેવાળા આપણી ઉપર ચઢી બેસે. કોઈપણ પુરૂષ કે ગુનેગારને આપણા પર હાવી થવા દેવાના નહીં. જરૂર પડે તો તેને બે લાફા પણ મારી દેવા. સેલ્ફ પ્રોટેક્શન કરવું તો જોઈએ જ. અમારા સમયમાં ફિમેલ સ્ટાફ ઓછો હતો તો નાઈટ ડ્યૂટી ઓછી મળતી હતી. પરંતુ અત્યારે તો ફિમેલ સ્ટાફ વધારે હોય એટલે નાઈટ ડ્યૂટી પણ આવતી જ હોય છે. આથી જાતિય સતામણી સામે ડર્યા વગર સ્વરક્ષણ કરતાં દરેક મહિલાએ શીખવું પડશે.
લોકોમાં વિકૃતતા વધી ગઈ છે. પહેલાં પણ બળાત્કારના કેસ આવતા હતા. પરંતુ હવે તો નાની-નાની બાળકીઓ સાથે બળાત્કારની ઘટનાઓ બનતી હોય છે. બીજી તરફ આ પ્રકારના કિસ્સાઓમાં સજાની જોગવાઈ પણ ઓછી છે. આથી લોકોમાં ભય નથી રહ્યો. વિકૃતતા એ હદે વધી ગઈ છે કે નાની-નાની બાળકીઓ સાથે બળાત્કાર કરીને તેમને મોતને ઘાટ ઉતારીને ફેંકી દેવામાં આવે છે. સજા બરાબર કરવામાં આવે તો જ આ પ્રકારની ઘટનાઓમાં ઘટાડો થઈ શકે છે.
10 વર્ષથી નીચેની બાળકીઓ સાથે બનતી ઘટનાઓ ખરેખર બળાત્કાર હોય છે. જ્યારે પુખ્ત વયની મહિલાઓની જે ફરિયાદો હોય છે તેમાં 70 થી 80 ટકા કેસમાં સહમતીથી સંબંધો બાંધેલા હોય છે. લાંબા સમય સુધી બંન્ને પાત્ર હર્યા-ફર્યા હોય. પછી મતભેદ થાય અથવા તો માતા-પિતાના પ્રેશરથી મહિલાઓ ફરિયાદ નોંધાવતી હોય છે. જેન્યુન બળાત્કારના કેસ માત્ર 15 થી 20 ટકા જ હોય છે.
હા મારા સમયમાં પણ આવા કિસ્સાઓ ઘણા મારી પાસે તપાસ માટે આવ્યા હતા. બળાત્કારના કેસમાં સૌથી મોટી સમસ્યા એ હોય છે કે પોલીસ તાત્કાલિક ફરિયાદ નોંધતી નથી. લાંબા વિરામ બાદ મહિલાને ડોક્ટરી તપાસ માટે લાવે ત્યારે એવું બને કે તેણે કપડાં બદલી નાખ્યા હોય, સ્નાન કરી લીધું હોય. એટલે જે સીમેન્સ પ્રેઝન્ટ હોય કે બ્લડ મળવું જોઈએ તે પુરાવાઓ મળતા નથી. જેન્યુન કેસમાં પોલીસ તપાસની ઢીલાશના કારણે કેસમાં વિલંબ થાય અથવા તો કેસ ફેઈલ જાય છે. ઘણી વખત અમે લોકો લાળ અથવા તો મહિલાના શરીરે ભરેલાં બચકાંઓ પરથી પુરાવાઓ ભેગાં કર્યા છે.
કોઈ મહત્વનો કેસ જે તમને અત્યારે યાદ આવતો હોય તો,
મારી પાસે એક છોકરીનો ગેંગ રેપનો કેસ આવ્યો હતો. એના વર્જાઈનામાં સીમેન પ્રેઝન્ટ હતું. મેં એ નમૂના FSLમાં મોકલ્યા હતા. હું કોર્ટમાં ગઈ ત્યારે મને પૂછવામાં આવ્યું કે આ ચારમાંથી આ સીમેન કોનું છે એ તો તમે રિપોર્ટમાં જણાવ્યું નથી એટલે એ ગેંગ રેપ સાબિત ના થાય. ખરેખર આવા કેસમાં જેટલાં પણ આરોપી હોય તેના સીમેન પોલીસે લેવા પડે અને તેને FSLમાં મોકલવા પડે. ત્યાં પછી એ વાતનું પરીક્ષણ થાય કે પુરાવામાં મળેલું સીમેન કોનું છે. આમ ઘણી વખત સાચી ફરિયાદોમાં પોલીસ તપાસ બરાબર ન થાય તો પણ ગુનેગારો છૂટી જતા હોય છે.
આમ બળાત્કારની ફરિયાદોમાં ઘણી બધી ખોટી થતી હોય છે, પરંતુ જેન્યુન ફરિયાદોમાં જો પોલીસ તપાસ બરાબર કરવામાં આવે તો આરોપીને સખતમાં સખત સજા થઈ શકે છે. બીજી તરફ મહિલાઓએ પોતાનું રક્ષણ જાતે જ કરતા શીખવું પડશે એ પણ એટલી જ જરૂરી વાત છે.
(રાધિકા રાઓલ – અમદાવાદ)
(તસવીરો – પ્રજ્ઞેશ વ્યાસ)