અમદાવાદઃ રાજ્યમાં ચોમાસાના પહેલા બે મહિનામાં સીઝનના વરસાદની ઘટ પછી પાછોતરા નોંધપાત્ર વરસાદને લીધે એ ઘટ પૂરી થઈ ગઈ છે. સપ્ટેમ્બરના પ્રારંભથી જ રાજ્યના વિવિધ વિસ્તારોમાં સારોએવો વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં પાંચ દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે, જેમાં સૌરાષ્ટ્રમાં આગામી ત્રણ દિવસ સામાન્ય વરસાદ તો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે વડોદરા, છોટા ઉદેપુર, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, મહીસાગર અને દાહોદમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે.
રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં 141 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સૌથી વધુ વરસાદ છોટા ઉદેપુરના કવાંટ, સુરતના બારડોલી અને મહુવામાં પોણાચાર ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે ખેડા-નડિયાદ, છોટા ઉદેપુરના બોડેલી અને છોટા ઉદેપુરમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. વિસાવદરમાં ત્રણ ઇંચ અને જૂનાગઢમાં એક ઇંચ વરસાદ વરસ્યો હતો. રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ 76.44 ટકા વરસાદ નોંધવામાં આવ્યો છે. જ્યારે સૌથી વધુ વરસાદ સૌરાષ્ટ્રમાં 88.35 ટકા વરસાદ વરસ્યો છે.