મા કુરુ ધન જન યૌવન ગર્વં હરતિ નિમેષાત્કાલઃ સર્વમ્ ।
માયામયમિદમખિલં હિત્વા બ્રહ્મપદં ત્વં પ્રવિશ સર્વમ્ ।।11।।
“સંપત્તિ, મિત્રો અને યુવાનીનો ઘમંડ કરવો નહીં. કાળ આ બધી વસ્તુઓ પલકવારમાં છિનવી લે છે. આ જગતની માયામાંથી મુક્ત થઈ ગયા બાદ જ પરમસત્ય પામી શકાય છે.”
ભજ ગોવિંદમનો 11મા ક્રમાંકનો શ્લોક ઉક્ત બોધ આપનારો છે.
આપણા જીવનમાં જ્યારે આપદાઓ આવે છે ત્યારનો સમય યાદ કરો. એ આફતો કુદરતી કે મનુષ્યસર્જિત હોઈ શકે છે. એ દુર્ઘટનાઓને લીધે આપણને અથવા આપણા સ્વજનોને કે બીજા કોઈને પણ અસર થઈ હોઈ શકે છે. દા.ત. કચ્છનો ભૂકંપ, દૂરપૂર્વના દેશોમાં આવેલું સુનામી, દક્ષિણ ભારતમાં આવેલું પૂર, વગેરે કુદરતી વિપદાઓ અથવા ભારતના ભાગલા વખતે લોકોએ કરવું પડેલું પલાયન, ન્યૂ યોર્કના વર્લ્ડ ટ્રેડ સેન્ટરનાં ટ્વિન ટાવર પર થયેલો આતંકવાદી હુમલો, વગેરે માનવસર્જિત ઘટનાઓ.
દેખીતી વાત છે કે એ વખતે શ્રીમંત વ્યક્તિઓ કે પરિવારોને પણ અસર થઈ જશે. ઘણા લોકોએ દાયકાઓની મહેનતના અંતે જમા કરેલી મિલકત ઓચિંતી જ છોડીને ભાગી જવું પડ્યું હશે.
ઘણાં વર્ષો પહેલાંની વાત છે. કુવૈત પર સદ્દામ હુસૈને હુમલો કર્યો હતો. અમારા એક ફેમિલી ફ્રેન્ડના સગાંએ સપરિવાર દેશ છોડી દેવો પડ્યો હતો. કુવૈતમાં તેમની કરોડોની સંપત્તિ હતી. તેઓ ત્યાંના પ્રતિષ્ઠિત ઝવેરી હતા અને ઘરેણાંનો ધીકતો ધંધો કરી રહ્યા હતા. તેમણે પહેરેલે કપડે કુવૈત છોડીને ભાગી જવું પડ્યું હતું. તેમને એ મિલકતમાંથી કંઈ પાછું મળ્યું નહીં અને જીવનમાં એકડેએકથી શરૂઆત કરવી પડી.
ભારતના ભાગલા વખતે કેટલાય સિંધી પરિવારોએ પાકિસ્તાન છોડી દેવાનો વારો આવ્યો હતો. તેઓ પણ પોતપોતાની સંપત્તિ મૂકીને ચાલી નીકળ્યા હતા. તેમાંથી ઘણા લોકો અતિશય ધનવાન હતા, પણ ભારત આવ્યા બાદ તેમણે શરણાર્થી શિબિરોમાં રહેવું પડ્યું હતું.
ઉક્ત શ્લોકમાં આદિ શંકરાચાર્ય ભૌતિક સંપત્તિના મોહ કે આસક્તિની વાત કરે છે.
વાસ્તવિક જીવનમાં જોવામાં આવ્યું છે કે આ આસક્તિને લીધે માનસિક તાણ, અસલામતી, ઈર્ષ્યા, લોભ, ઘમંડ, વગેરે લાગણીઓ જન્મે છે. આ લાગણીઓમાંથી ગુસ્સો અને નિરાશા જન્મે છે.
શંકરાચાર્ય કહે છે કે આ જગત મોહમાયા છે. જ્યારે વિપદાઓ આવે છે ત્યારે ઘડીભરમાં બધું નાશ પામે છે.
અહીં ખાસ જોવાનું કે આ શ્લોકમાં આદિ શંકરાચાર્યે એમ નથી કહ્યું કે સંપત્તિ એકઠી કરવી નહીં. આપણને રોટી, કપડાં, મકાન, વગેરેની મૂળભૂત જરૂરિયાતો પૂરી કરવા માટે પૈસાની જરૂર પડે જ છે. તેઓ તો એટલું જ કહે છે કે કોઈ પણ સંપત્તિ પ્રત્યે મોહમાયા કે અનુરાગ ધરાવવો નહીં, કારણકે ક્ષણભરમાં બધું ખતમ થઈ જાય છે.
આપણે ધન પ્રત્યે અનુરાગ ધરાવીએ ત્યારે અગાઉ કહ્યું એમ નકારાત્મક લાગણીઓ જન્મે છે અને તેને લીધે આપણું સુખ છિનવાઈ જાય છે.
“ફલાણા શ્રીમંત માણસે ખોટા રસ્તે ધન ભેગું કર્યું હશે” કે પછી “સરકાર ફક્ત શ્રીમંતોને સાથ આપે છે”, એવું ઘણી વાર આપણે વાતવાતમાં કહેતા હોઈએ છીએ. આવું બોલવામાં આવે ત્યારે અંદરખાનેથી આપણી ઈર્ષ્યા બોલતી હોય છે અને તેનું કારણ આપણે ધન પ્રત્યે રાખેલો મોહ છે. કોઈની સંપત્તિ બાબતે ઘસાતું બોલવું એ આપણી પોતાની અધૂરી ઈચ્છાઓ દર્શાવે છે. આમ થવાનું કારણ ધન પ્રત્યેની આપણી આસક્તિ છે.
સંપત્તિ, સત્તા, યુવાની, વગેરે કોઈ પણ બાબતે જો આસક્તિ રાખવામાં આવે તો છેલ્લે દુઃખી થવાનો જ વખત આવે છે. પ્રસન્ન જીવન જીવવા માટે અનાસક્તિ આવશ્યક છે. અનાસક્તિથી જ મનની શાંતિ મળી શકે છે.
આમ, આપણે બાહ્ય આડંબરોથી દૂર રહીને સ્વની ઓળખ કરીએ ત્યારે જ પ્રસન્નતા પ્રાપ્ત થાય છે. સંપત્તિ જીવન જીવવા માટે આવશ્યક છે અને એમાં કંઈ ખોટું નથી, પરંતુ જીવનમાં પ્રસન્નતા લાવવા માટે ધન પ્રત્યેની આસક્તિ છોડી દેવી જોઈએ.
(લેખક દેશના જાણીતા ફાઈનાન્સિયલ પ્લાનર છે. ફાઈનાન્સિયલ પ્લાનિંગ સંબંધિત વિષયો એમણે ઘણા લેખો-પુસ્તકો લખ્યા છે. આર્થિક આયોજન અને રોકાણ સંબંધિત સેમિનારોમાં એ વક્તા તરીકે જોવા-સાંભળવા મળે છે. ‘યોગિક વેલ્થ’ નામનું એમનું પુસ્તક ખૂબ લોકપ્રિય બન્યું છે. યોગના અભ્યાસી અને શિસ્તબધ્ધ જીવનશૈલી ધરાવતા લેખકના અનુભવનો નીચોડ આ લખાણોમાં દેખાઇ આવે છે.)
(આપનાં મંતવ્યો અને સવાલો જણાવો gmashruwala@gmail.com)