શેખરભાઈએ વર્ષો સુધી પ્રામાણિકપણે અને મહેનતપૂર્વક કામ કરીને નિવૃત્તિ તરફ વળવાનું નક્કી કર્યું. જોકે, એમને પહેલો સવાલ એ આવ્યો કે સક્રિય જીવનમાંથી છૂટા થયા બાદ તેઓ કરશે શું? એમને વાંચન, લેખન, સંગીત સાંભળવું, બાગકામ કરવું, સામાજિક મેળમિલાપ કરવો, ધાર્મિક કાર્યક્રમોમાં જવું કે સમાજસેવા કરવી, વગેરે જેવો કોઈ શોખ ન હતો. પોતાના અત્યાર સુધીના વ્યવસાયને લગતું કામકાજ કરવું એવો એક વિકલ્પ હતો, પરંતુ એમાં પણ હવે નવું તંત્રજ્ઞાન આવી ગયું હોવાથી એમને એ ફાવે તેમ ન હતું.
શેખરભાઈના ધર્મપત્ની ઘણાં સક્રિય હતાં. તેઓ હંમેશાં વ્યસ્ત રહેતાં. એમનો ઘણો સમય વાંચનમાં જતો. તેઓ નજીકના આશ્રમમાં જતાં અને સ્વયંસેવક તરીકે કાર્ય કરતાં. મિત્રોને મળવા જવાનું પણ એમને ગમતું. આ દંપતિની ઉંમર લગભગ 70 વર્ષની આસપાસ હતી. ભગવાને એમને સારી તંદુરસ્તી બક્ષી હતી. તેઓ મોટા દીકરાના પરિવાર સાથે રહેતા. ઘરમાં બધા જ સભ્યો એમની દેખભાળ સારી રીતે રાખતાં, પરંતુ બધા પોતપોતાના કામમાં વ્યસ્ત રહેતાં.
વૃદ્ધાવસ્થા અને બીમારી એ બન્ને વસ્તુઓ જીવનના બે મુશ્કેલ તબક્કા હોય છે. જો વૃદ્ધાવસ્થામાં બીમારી આવી પડે તો મુશ્કેલી બમણી થઈ જાય છે.
ખરી રીતે તો માણસ તંદુરસ્ત હોય અને આયુષ્યની સાઠીમાં પ્રવેશે એની પહેલાં જ એણે કોઈક શોખ વિકસાવવો જોઈએ. એ કામ એવું હોવું જોઈએ, જેમાં બીજાઓ પર નિર્ભર રહેવું પડે નહીં. વડીલોના ઘણાં ગ્રુપ બગીચાઓમાં મળતા હોય છે. બીજાં અનેક ગ્રુપ નાસ્તા-પાણી માટે ભેગાં થતાં હોય છે. જેમણે કોઈ શોખ વિકસાવ્યા નથી એવા ઘણા વરિષ્ઠ નાગરિકોને કોવિડના સમયગાળામાં પારાવાર મુશ્કેલી થઈ છે. ફરી એક વાર કહેવું ઘટે કે બીજાઓ પર નિર્ભર રહેવું ન પડે એવી ધંધા-રોજગાર સિવાયની કોઈક ઇતર પ્રવૃત્તિ હોવી જ જોઈએ.
યોગિક સંપત્તિમાં સામાજિક અને ભાવનાત્મક સંપત્તિ એ બન્ને મુખ્ય ઘટક છે. શેખરભાઈ પાસે ધનની કમી ન હતી, પરંતુ પૈસા હોવા માત્રથી વ્યક્તિ પ્રવૃત્તિમય રહી શકતી નથી. પોતે આયુષ્યભર કરેલી મહેનતના ફળનો આનંદ લેવા માટે પણ માણસ પાસે સામાજિક અને ભાવનાત્મક સંપત્તિ હોવી જરૂરી છે.
આનંદચાચા નામના એક સજ્જનને લોકો સાથે હળવા-મળવાનું ઘણું ગમે. તેઓ હંમેશાં પોતાની આસપાસ લોકોને ભેગા કરી લેતા, પરંતુ કોવિડના રોગચાળાના સમયમાં એ શક્ય હતું નહીં. એમણે પોતાના પરિવાર કે બીજાઓ પર નિર્ભર રહેવું પડતું. હવે મિત્રો કે સંબંધીઓને મળવા જવાતું નહીં હોવાથી એમને ઘણું વસમું લાગે છે. વૃદ્ધાવસ્થામાં આવી અનેક જાતની તકલીફો થતી હોય છે. મારા દૂરના એક ફુઆને ટીવી જોવાનું ઘણું ગમે, પરંતુ આજકાલનાં ઓટીટી પ્લેટફોર્મ્સ પરના કાર્યક્રમો એમને ગમતા નથી. વળી, હવે એમની આંખો પણ નબળી પડી ગઈ છે અને બેઠાં-બેઠાં શરીર જકડાઈ જાય છે. એમના કિસ્સામાં પણ કોઈક ગૅજેટ પરની નિર્ભરતા જોઈ શકાય છે.
આ બધાથી વિપરીત, હું 71 વર્ષના એવા એક ગૃહસ્થને ઓળખું છું, જેમણે આખો દિવસ વ્હીલચેર પર રહેવું પડે છે. તેઓ પોતાના સાધનસંપન્ન પરિવાર સાથે જ રહે છે. એમની પાસે શોફર ડ્રિવન કાર છે. વડીલની દેખરેખ માટે એક નોકર પણ રાખવામાં આવ્યો છે. તેઓ દરરોજ સવારે નજીકના મંદિરમાં જઈને સમય વિતાવે છે. સાંજ પડ્યે નજીકના વૃદ્ધાશ્રમમાં જઈને પથારીવશ વરિષ્ઠ નાગરિકોને અખબાર વાંચી સંભળાવે છે. કોઈ બીમાર હોય ત્યારે તેઓ એ વ્યક્તિના ઘરે જઈને એનો સમય પસાર કરવામાં મદદરૂપ થાય છે. આમ, તેઓ અનેક રીતે પ્રવૃત્ત રહે છે. એમની પાસે સંપત્તિ છે એટલે તેઓ ડ્રાઇવર અને નોકર રાખી શકે છે, પરંતુ પોતાનો સમય પસાર કરવા માટે તેઓ એમના પર નિર્ભર નથી. તેઓ પોતાની અલગ જ પ્રકારની પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહે છે. તેમાં એમને આનંદ આવે છે. પોતાની સંપત્તિનો પણ તેઓ આનંદપૂર્વક ઉપભોગ કરી શકે છે.
ધારો કે કોઈ માણસ પાસે ડ્રાઇવર અને નોકર રાખવા જેટલી સંપત્તિ છે, પણ જો એમની પાસે કરવા જેવી બીજી કોઈ પ્રવૃત્તિ ન હોય એ માણસ શું કરે?
ઉપરોક્ત ચર્ચા પરથી સ્પષ્ટપણે કહી શકાય છે કે બધી જ સમસ્યાઓના હલ ધનથી આવી જશે એવું ક્યારેય માનવું નહીં. ધ્યાન રહે, યોગિક સંપત્તિ ત્યારે જ કહેવાય, જ્યારે શારીરિક, સામાજિક, ભાવનાત્મક અને આર્થિક સંપત્તિ બધી એકસાથે હોય.
(લેખક દેશના જાણીતા ફાઈનાન્સિયલ પ્લાનર છે. ફાઈનાન્સિયલ પ્લાનિંગ સંબંધિત વિષયો એમણે ઘણા લેખો-પુસ્તકો લખ્યા છે. આર્થિક આયોજન અને રોકાણ સંબંધિત સેમિનારોમાં એ વક્તા તરીકે જોવા-સાંભળવા મળે છે. ‘યોગિક વેલ્થ’ નામનું એમનું પુસ્તક ખૂબ લોકપ્રિય બન્યું છે. યોગના અભ્યાસી અને શિસ્તબધ્ધ જીવનશૈલી ધરાવતા લેખકના અનુભવનો નીચોડ આ લખાણોમાં દેખાઇ આવે છે.)
(આપનાં મંતવ્યો અને સવાલો જણાવો gmashruwala@gmail.com)
