“જે મનુષ્ય ધર્માચરણથી પ્રાપ્ત ધન દ્વારા ધનની વૃદ્ધિ કરે છે એ પ્રશંસા પામે છે.” યજુર્વેદના 20મા સ્કંદની આ 69મી સંહિતાનું અર્થઘટન અનેક રીતે કરી શકાય છે, પરંતુ આપણે અહીં આર્થિક સંપત્તિના પાસાની જ ચર્ચા કરીશું.
આ સંહિતા મુજબ ધાર્મિક રીતે ધન કમાવાનું મહત્ત્વનું છે. આપણે તેને મૂલ્યનિષ્ઠ માર્ગ કહી શકીએ. શાસ્ત્રોમાં આ બાબત ઘણી જ સ્પષ્ટ રીતે કહેવાઈ છે. ફક્ત કાનૂની દૃષ્ટિએ નહીં, નૈતિક દૃષ્ટિએ પણ યોગ્ય હોય એવા માર્ગે ધનની પ્રાપ્તિ કરવી જોઈએ. જુગાર ઘણા દેશોમાં કાનૂની છે, પરંતુ આપણે જાણીએ છીએ કે એ રસ્તો નૈતિક નથી. આથી આપણને એ ચાલે નહીં. ભારતમાં ઘોડાની રેસનો જુગાર કાનૂની છે, છતાં એ માર્ગ નૈતિક નહીં હોવાથી આપણે તેનાથી દૂર રહેવું જોઈએ.
ધન પ્રાપ્ત કર્યા બાદ તેમાં વૃદ્ધિ પણ કરવાની હોય છે. તેનો અર્થ એવો થયો કે નાણાંનું રોકાણ કરવું જોઈએ; તે એમ ને એમ પડ્યાં રહેવા દેવાં જોઈએ નહીં. પૈસા ખિસામાં પડ્યા હોય તો વપરાઈ જતા વાર નથી લાગતી એ આપણે સૌ જાણીએ છીએ.
અહીં આપણે રાજેશ અને પ્રિયાનો દાખલો લઈએ. બન્નેની ઉંમર 35થી 40ની વચ્ચેની છે. તેઓ પોતપોતાની કારકિર્દીમાં સારી રીતે આગળ વધ્યાં છે. તેમના પગાર સાત અંકમાં છે. કામકાજની વ્યસ્તતાને લીધે તેમને પોતાની મહેનતની કમાણીનું રોકાણ કરવાનો સમય જ મળ્યો નથી. તેઓ તહેવારોમાં રખાતાં સેલ તથા ઓનલાઇન ઓફરોમાં લખલૂટ ખર્ચ કરે છે.
તેઓ જે વસ્તુઓ ખરીદે છે તે બધાનો ઉપયોગ કરવાનો તેમને સમય પણ મળતો નથી. બન્ને જણ કમાતાં હોય એવા પરિવારોની સામાન્ય રીતે આ જ સ્થિતિ હોય છે. ટૂંકમાં, એટલું જ કહેવાનું કે પૈસા કદી એમ ને એમ પડ્યા રહેવા દેવા નહીં. આમ કરવું એ લક્ષ્મીજીનું અપમાન કરવા સમાન છે. નાણાંનું રોકાણ કરીને તેની વૃદ્ધિ કરવી જોઈએ અને તેનો ઉપયોગ મનુષ્યના તથા સૃષ્ટિના કલ્યાણાર્થે કરવો જોઈએ.
જે રીતે ખાલી દિમાગ શેતાનનું ઘર હોય છે એ જ રીતે નકામા પડી રહેલા પૈસા પણ શેતાન જેવા હોય છે. ક્યારેક લોકો પાસે ઘણા પૈસા પડી રહ્યા હોય અને અચાનક તેનો ઉપયોગ કરવાનું મન થાય ત્યારે વધુપડતું વળતર આપતા કે ઝડપી વળતર આપતા માર્ગે રોકાણ કરવામાં આવે છે, જે સમાજ માટે ઘાતક હોઈ શકે છે.
થોડા વખત પહેલાં આપણા જ દેશના એક ખ્યાતનામ રમતવીરનું નામ રોકાણકારોનાં નાણાં છ મહિનામાં બમણાં કરવાના કૌભાંડમાં બહાર આવ્યું હતું. ખેતીના નામે લોકો પાસેથી નાણાં એકઠાં કરવામાં આવ્યાં હતાં. એ યોજનામાં લઘુતમ 50 લાખ રૂપિયાનું રોકાણ કરવાનું હતું. તેમાં ઘણા શ્રીમંતોએ રોકાણ કર્યું હતું. તેમનું ધન એમ ને એમ પડી રહ્યું હતું તેથી તેમણે આવી યોજનામાં રોકાણ કર્યું હતું. કૌભાંડ છતું થયા બાદ એ રમતવીરને કેદ પણ થઈ હતી. “લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ના મરે” એ આપણી જાણીતી કહેવતનું આ ઉદાહરણ છે.
અમુક લોકો રોકાણ માટેની વિચિત્ર યોજનાઓ ઘડતા હોય છે. અમેરિકામાં અનેક કૂટણખાનાંની માલિકી ધરાવતા ડેનિસ હોફે એક વખત ટીવી ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે એ પોતાના કૂટણખાનાંના બિઝનેસનો આઇપીઓ લાવવા માગે છે. ઘણા લોકોએ આ ઇસ્યૂમાં રોકાણ કરવામાં રસ દાખવ્યો હતો. આવા રોકાણને કોઈ કાળે નૈતિક રોકાણ કહી શકાય નહીં.
ઉક્ત સંહિતામાં નૈતિકપણે ધન કમાવા પર અને નૈતિકપણે રોકાણ કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે. અહીં જણાવવું રહ્યું કે રાજ્યસત્તા એટલે કે સરકારને કરવેરા ચૂકવવાનું કર્તવ્ય નિભાવવાની વાત બધાં ધર્મગ્રંથોમાં કરવામાં આવી છે. આમ, કરવેરા ટાળવાનું કૃત્ય પણ અનૈતિક છે. કરવેરા ટાળીને કે કરચોરી કરીને મેળવેલું ધન અધાર્મિક કહેવાય.
એક વખત કોઈકે મને પૂછ્યું હતું કે પૈસા અને લક્ષ્મી વચ્ચે શું ફરક છે? મારું કહેવું છે કે જે ધન ધર્મનું પાલન કરીને એટલે કે નૈતિક રીતે મેળવાયું હોય એ લક્ષ્મી; બીજું બધું ફક્ત પૈસા. નૈતિક રીતે મેળવેલી સંપત્તિ શાંતિ, નિર્મળતા, સ્નેહ અને આદર લાવે છે અને પેઢીઓ સુધી ટકે છે.
(લેખક દેશના જાણીતા ફાઈનાન્સિયલ પ્લાનર છે. ફાઈનાન્સિયલ પ્લાનિંગ સંબંધિત વિષયો એમણે ઘણા લેખો-પુસ્તકો લખ્યા છે. આર્થિક આયોજન અને રોકાણ સંબંધિત સેમિનારોમાં એ વક્તા તરીકે જોવા-સાંભળવા મળે છે. ‘યોગિક વેલ્થ’ નામનું એમનું પુસ્તક ખૂબ લોકપ્રિય બન્યું છે. યોગના અભ્યાસી અને શિસ્તબધ્ધ જીવનશૈલી ધરાવતા લેખકના અનુભવનો નીચોડ આ લખાણોમાં દેખાઇ આવે છે.)
(આપનાં મંતવ્યો અને સવાલો જણાવો gmashruwala@gmail.com)