પાછલા બારણેથી આવતી સંપત્તિ, પાછલા બારણેથી જ રવાના થઈ જાય છે

યજુર્વેદના 15મા સ્કંદની 28મી સંહિતામાં કહેવાયું છે, “જેમ વિદ્વાનો આ સંસારમાં ઈશ્વરની આજ્ઞાના પાલન માટે સૃષ્ટિના ક્રમ અનુસાર તત્ત્વને સમજે છે, એવું જ આચરણ અન્ય લોકો કરે. જેમ ધાર્મિક લોકો ધર્માચરણથી ધનનું ઉપાર્જન કરે છે, એવી જ રીતે સર્વ લોકો ધનનું ઉપાર્જન કરે.”

આ સંહિતામાં ધનપ્રાપ્તિની રીત વિશે ઉપદેશ આપવામાં આવ્યો છે. ફક્ત સંપત્તિ ભેગી કરવા બાબતે નહીં, પણ કંઈ રીતે એનું સર્જન કરવું જોઈએ તેના પર આપણાં શાસ્ત્રોએ પ્રકાશ પાડ્યો છે. ઉક્ત સંહિતામાં ધનનું ઉપાર્જન ધાર્મિક રીતે કરવાનું કહેવામાં આવ્યું છે. આગળ વધતાં પહેલાં આપણે ધર્મ એટલે શું તેનો વિચાર કરી લઈએ. એમ તો ધર્મની અનેક વ્યાખ્યાઓ છે, પરંતુ એકદમ સરળ શબ્દોમાં કહીએ તો, કોઈને આપણાં મન, વચન અને કર્મથી નુકસાન થાય નહીં એ જ ખરો ધર્મ.

જમીન પર અતિક્રમણ કરવું, ખાદ્યપદાર્થોમાં ભેળસેળ કરવી, વજન-માપમાં ગરબડ કરવી, ગેરમાર્ગે દોરનારી જાહેરખબરો આપવી, ખોટાં વચનો આપીને વસ્તુઓ વેચવી, વગેરે અનુચિત પ્રવૃત્તિઓ દ્વારા ધન ભેગું કરવું એ અધર્મ કહેવાય. આથી આવી રીત અપનાવવી અયોગ્ય છે.

ફાઇનાન્શિયલ પ્લાનર તરીકેની કારકિર્દીમાં મેં ફાઇનાન્શિયલ પ્રોડક્ટ્સનું અનુચિત રીતે વેચાણ થતું હોવાના અનેક કિસ્સા જોયા છે. દા.ત. રિટાયરમેન્ટ પ્લાન તરીકે ચિલ્ડ્રન્સ પોલિસીઓ વેચવી, બે વર્ષ પછી સંતાનના શિક્ષણ માટે નાણાંની જરૂર હોવા છતાં રોકાણકારને 5 વર્ષનો લોક-ઇન સમયગાળો ધરાવતી ફિક્સ્ડ ડિપોઝિટ ઓફર કરવી, વગેરે. રોકાણકારને ભલે સરવાળે નુકસાન થતું હોય, પોતાને કમિશન વધારે મળે એવી વૃત્તિ રાખીને આપવામાં આવેલી સલાહ અનુચિત કહેવાય.

કોઈને ધમકી આપવી કે ઉદ્ધતાઈપૂર્વક વર્તવું એ પણ અયોગ્ય છે. અમેરિકામાં એક ઍરલાઇન્સનો કર્મચારી વૃદ્ધ દંપતી સાથે તોછડાઈથી વર્તતો મેં જોયો હતો. ઍરલાઇન્સ એ દંપતીનો સામાન સમયસર પહોંચાડી શકી નહીં અને તેથી તેમણે બૅગમાં રખાયેલી કેટલીક રોજિંદા વપરાશની વસ્તુઓ વગર રહેવું પડ્યું હતું. એ કર્મચારીએ એટલું અવિનયી વર્તન કર્યું કે એ વરિષ્ઠ નાગરિકો નુકસાનભરપાઈની રકમ લીધા વગર જ ત્યાંથી રવાના થઈ ગયા. મને તો લાગે છે કે વળતર ચૂકવવું ન પડે એટલા ખાતર જ ઍરલાઇન્સ આવી રીતે વર્તવાનું કહેતી હશે.

 

થોડાં વર્ષો પહેલાં એક માર્કેટિંગ જર્નલમાં છપાયેલા સમાચાર મને યાદ આવે છે. તેમાં જણાવવામાં આવ્યું હતું કે મોટી કંપનીઓ વેપાર પ્રદર્શનોમાં પોતાના હરિફોના સ્ટોલ ખૂણામાં કોઈને દેખાય નહીં એવી રીતે ગોઠવી દેવા માટે આયોજકો સાથે ગોઠવણ કરી લેતા હોય છે. આ રીતે નાના અને નવા વેપાર-ઉદ્યોગોને પહેલેથી જ ગૂંગળાવી મારવાનો પ્રયાસ કરવામાં આવે છે.

કરચોરી કરવી, સરકાર/સત્તાવાળાઓ સમક્ષ ખોટાં ડિક્લેરેશન નોંધાવવાં, પોતાને લાગુ પડતી ન હોય એવી યોજનાઓ/સવલતોનો ગેરરીતિપૂર્વક લાભ લઈને આવક વધારવી, એ બધાં કૃત્યો પણ અધર્મ જ કહેવાય.

ઉપરોક્ત અધર્મ દ્વારા પ્રાપ્ત થયેલી સંપત્તિ છેવટે નુકસાનકારક પુરવાર થાય છે. મોડું-વહેલું સમાજને-સત્તાવાળાઓને તેની જાણ થઈ જાય છે અને પછીથી તેનાં પરિણામો ભોગવવાં પડે છે. તેમાં કાનૂની કાર્યવાહી, પ્રતિષ્ઠા ખરડાવી, વગેરેનો સમાવેશ થાય છે.

પાછલા બારણેથી આવતી સંપત્તિ, આવક પાછલા બારણેથી જ રવાના થઈ જાય છે.

ટોચે પહોંચવા માટે કોઈ શોર્ટકટ હોતો નથી. માણસે ટૂંકો રસ્તો અપનાવીને પ્રાપ્ત કરેલું ધન ટૂંકા ગાળા માટે જ ટકે છે. મેં એક જગ્યાએ સરસ મજાનો બોધ આપતું વાક્ય વાંચ્યું હતું: એક જણ પૂછે છે, “તમે હંમેશાં મુશ્કેલ રસ્તો જ કેમ પસંદ કરો છો?” સામેથી જવાબ મળે છે, “તમે કેમ ધારી લીધું કે મને બે રસ્તા દેખાય છે?”

આવક રળવાની અને ધનનું ઉપાર્જન કરવાની વાત હોય ત્યારે એક જ રસ્તો હોય છે અને એ છે મૂલ્યનિષ્ઠ રસ્તો. નૈતિકતાથી પ્રાપ્ત કરેલી સંપત્તિ પેઢીઓ સુધી ટકે છે.

(લેખક દેશના જાણીતા ફાઈનાન્સિયલ પ્લાનર છે. ફાઈનાન્સિયલ પ્લાનિંગ સંબંધિત વિષયો એમણે ઘણા લેખો-પુસ્તકો લખ્યા છે. આર્થિક આયોજન અને રોકાણ સંબંધિત સેમિનારોમાં એ વક્તા તરીકે જોવા-સાંભળવા મળે છે. ‘યોગિક વેલ્થ’ નામનું એમનું પુસ્તક ખૂબ લોકપ્રિય બન્યું છે. યોગના અભ્યાસી અને શિસ્તબધ્ધ જીવનશૈલી ધરાવતા લેખકના અનુભવનો નીચોડ આ લખાણોમાં દેખાઇ આવે છે.)

(આપનાં મંતવ્યો અને સવાલો જણાવો gmashruwala@gmail.com)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]